સુરતના દરિયાકિનારે જામશે ઉત્સવનો માહોલ: 9 થી 11 જાન્યુઆરી દરમિયાન ‘સુંવાલી બીચ ફેસ્ટિવલ-2026’નું ભવ્ય આયોજન

સુરતની જનતા માટે પરિવાર અને મિત્રો સાથે દરિયાકિનારાના આહ્લાદક માહોલમાં ઉજાણી કરવા માટે આ ફેસ્ટિવલ એક ઉત્તમ તક સાબિત થશે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 03 Jan 2026 02:56 PM (IST)Updated: Sat 03 Jan 2026 02:56 PM (IST)
sunwali-beach-festival-2026-grandly-organized-in-surat-from-january-9-to-11-667317

Suvali Beach Festival 2026: રાજ્ય સરકારના પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સુરત નજીક આવેલા સુંવાલીના રમણીય દરિયાકિનારે ત્રિ-દિવસીય ‘સુંવાલી બીચ ફેસ્ટિવલ-2026’ યોજાવા જઈ રહ્યો છે. તા. 9મી જાન્યુઆરીથી શરૂ થનારા આ મહોત્સવનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

સંગીતની જામશે મહેફિલ

આ ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ જાણીતા ગાયક કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો રહેશે. દરરોજ સાંજે સુરતના દરિયાકિનારે સૂરોની રમઝટ બોલાવવામાં આવશે:

  • 9 જાન્યુઆરી: ઓસમાણ મીર અને આમીર મીર લોક સંગીતની પ્રસ્તુતિ કરશે.
  • 10 જાન્યુઆરી: બોલિવૂડ અને ગુજરાતી ગાયિકા ભૂમિ ત્રિવેદી પ્રેક્ષકોને ડોલાવશે.
  • 11 જાન્યુઆરી: સાંત્વની ત્રિવેદી પોતાના મધુર અવાજથી ફેસ્ટિવલનું સમાપન કરશે.

પરંપરાગત વાનગીઓ અને મનોરંજન

સુરતીઓના સ્વાદને ધ્યાનમાં રાખીને ફેસ્ટિવલમાં 125 જેટલા ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવશે. જેમાં ખાસ કરીને ડાંગી ડિશ, નાગલીની વાનગીઓ અને સુરતનું પ્રખ્યાત ઉંબાડિયું આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ ઉપરાંત હસ્તકલાના ક્રાફ્ટ સ્ટોલ, સખી મંડળોના સ્ટોલ અને વન વિભાગના પ્રદર્શનો પણ જોવા મળશે. સાહસના શોખીનો માટે એડવેન્ચર સ્પોર્ટ્સ, ઊંટ અને ઘોડેસવારી તેમજ બાળકો માટે ખાસ કિડ્સ ઝોન અને સેલ્ફી પોઈન્ટ્સ બનાવવામાં આવશે.

સહેલાણીઓ માટે ખાસ વ્યવસ્થા

ધારાસભ્ય સંદિપ દેસાઈએ જણાવ્યું હતું કે, સુંવાલી બીચના વિકાસથી સ્થાનિકોને રોજગારી મળશે. પ્રવાસીઓની સુવિધા માટે શહેરથી બીચ સુધી જવા-આવવા માટે સિટી બસ અને એસ.ટી. બસની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત કલેક્ટર દ્વારા સુરક્ષા અને સુવિધાની સમીક્ષા કરવામાં આવી છે, જેમાં પોલીસ ટ્રાફિક નિયમન, પાર્કિંગ, ફાયર બ્રિગેડ, તરવૈયા અને એમ્બ્યુલન્સની ટીમો સ્ટેન્ડ-બાય રાખવા આદેશ અપાયા છે.