Surat News: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ટાંકી ફળિયું અને પટેલ ફળિયુ ખાતે એમ બે અલગ અલગ જગ્યાએ રખડતા કૂતરાંએ ત્રણ બાળકોને બચકાં ભર્યા હોવાની ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા ટાંકી ફળિયા અને પટેલ ફળિયા ખાતે બાળકો રમી રહ્યા હતા તે દરમિયાન 3 જેટલા બાળકો પર રખડતા કૂતરાંએ હુમલો કર્યો હતો. બે બાળકીઓ અને એક બાળક પર હુમલો કરતા અહી ચકચાર મચી જવા પામી છે.બાળકોને ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે બીજા બે બાળકોને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છેકે બાળક કાર પાસે રમી રહ્યો હતો તે દરમિયાન એક કૂતરું આવીને બાળક પર તૂટી પડે છે. બાળકને કૂતરું કરડવા લાગતા બાળક બૂમાબૂમ કરે છે અને ત્યાં રહેલી દુકાનમાંથી એક મહિલા દોડી આવે છે. મહિલા કૂતરાંને પત્થરમારીને ભગાડે છે. બીજી તરફ ત્યાં ગ્રામજનો પણ એકઠા થઇ ગયા હતા અને કૂતરાંને પત્થર મારી ત્યાંથી ભગાડ્યો હતો.
ઘટનાને નજરે જોનાર અનીતા દેવીએ જણાવ્યું હતું કે ગત રાત્રીના 9 વાગ્યાની આસપાસ હું દુકાન પર કામ કરી રહી હતી તે દરમિયાન કૂતરું બાળક પર તૂટી પડ્યું હતું. બાળકને જમીન પર પાડી દીધો હતો. મને ખબર પડતા જ હું બહાર આવી હતી અને કૂતરાંને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન ત્યાં ગ્રામજનો પણ એકઠા થઇ ગયા હતા અને બાદમાં કૂતરાંને ભગાડ્યો હતો. બાળકને ઈજાઓ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ઉપ સરપંચ અતુલ પટેલે જણાવ્યું હતું કે બે બાળકી અને એક બાળકને કૂતરાંએ બચકાં ભર્યા છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બાળકો રમી રહ્યા હતા તે દરમિયાન કૂતરાંએ આવીને બચકા ભર્યા છે. છોકરાની તબિયત સારી છે તે ઘરે છે જયારે બે છોકરીઓને સિવિલ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં રખડતા કૂતરાંનો આતંક સામે આવ્યો છે. ખજોદ અને ભેસ્તાન વિસ્તારમાં બાળકોને કૂતરાંએ બચકા ભરતા તેનું મોત થયું હતું. તેમજ આ અગાઉ કીમ ખાતે પણ બાળક પર કૂતરાંએ હુમલો કરતા તેનું મોત થયું હતું. ત્યારે કૂતરાંએ બચકા ભરવાની વધુ એક ઘટના સુરતના ઓલપાડ તાલુકામાં બની છે. આ ઘટનાને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર રખડતા કૂતરાંને લઈને નક્કર કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
