Surat Dyeing Units Notice: સુરતના કતારગામ ઝોન વિસ્તારમાં ડાઈંગ યુનિટ સંચાલકો દ્વારા કેમિકલયુક્ત પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર જ ડ્રેનેજ લાઈનમાં છોડવામાં આવતું હોવાની ફરિયાદ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા 200 થી વધુ ડાઈંગ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ 3 દિવસમાં ખુલાસો માગ્યો છે, જે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સુરતમાં કતારગામ, ઉધના અને લિંબાયત ઝોનમાં અનેક સોસાયટીમાં તપેલા ડાઈંગ ચાલે છે અને કેટલાક ડાઈંગ સંચાલકો ગંદુ પાણી પાલિકાની ડ્રેનેજ લાઈન અથવા સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનમાં છોડે છે, જેથીપ્રદૂષણ ફેલાય છે. થોડા સમય પહેલા કતારગામની એક સોસાયટીમાં પીવાના પાણીની લાઈનમાં કેમિકલયુક્ત પાણી નીકળતા હોવાની ફરિયાદ મહાનગરપાલિકાને મળી હતી.
ત્યારબાદ કતારગામ ઝોન વિસ્તારમાં SMC દ્વારા તપેલા ડાઈંગ એકમોનો સર્વે કરવામાં આવ્યો હતો. જે એકમો દ્વારા ગમે તેમ પાણીનો નિકાલ કરવામાં આવતો હતો, તેવા 200 થી વધુ એકમોને નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત ડાઈંગ યુનિટોના સંચાલકો પાસેથી 3 દિવસમાં યુનિટ શરૂ કરવા માટેની પરમીશન, ગંદા પાણીનો નિકાલ ક્યાં કરવામાં આવે છે તે સહિતની માહિતીનો ખુલાસો માંગ્યો છે, ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
