Surat Traffic News: સ્માર્ટ સુરત વધુ હાઇટેક બનશે, ટ્રાફિકની સમસ્યા નિવારવા શહેરમાં વધુ 125 સ્માર્ટ સિગ્નલો મુકાશે

હાલમાં સુરત શહેરમાં 217 ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ આધારિત હાઇટેક સિગ્નલો કાર્યરત છે. હવે તેમાં વધુ 125 નવા સિગ્નલો ઉમેરાતા કુલ સ્માર્ટ સંખ્યા 342 પર પહોંચશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 19 May 2026 01:09 PM (IST)Updated: Tue, 19 May 2026 01:09 PM (IST)
smart-surat-to-get-125-new-hi-tech-traffic-signals-to-ease-congestion

Surat News: સુરત સ્માર્ટ સિટી તરીકે દેશભરમાં આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે, ત્યારે સુરત શહેર હવે પોતાની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને વધુ આધુનિક અને હાઇટેક બનાવવા જઈ રહ્યું છે. શહેરમાં વાહનોની વધતી સંખ્યા અને ટ્રાફિકની જટિલ સમસ્યાને પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ટૂંક સમયમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં નવા 125 સ્માર્ટ ટ્રાફિક સિગ્નલો ઊભા કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

હાલમાં સુરત શહેરમાં 217 ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ આધારિત હાઇટેક સિગ્નલો સફળતાપૂર્વક કાર્યરત છે. હવે તેમાં વધુ 125 નવા સિગ્નલો ઉમેરાતા કુલ સ્માર્ટ સિગ્નલોની સંખ્યા 342 પર પહોંચી જશે. મહત્ત્વની વાત એ છે કે આ વખતે માત્ર મુખ્ય માર્ગો જ નહીં, પરંતુ શહેરના છેવાડાના વિસ્તારો તેમજ નવા સમાવિષ્ટ થયેલા વિસ્તારોને પણ આ સ્માર્ટ ટ્રાફિક નેટવર્ક હેઠળ આવરી લેવામાં આવશે.

આ સ્માર્ટ સિગ્નલ માત્ર લાલ, પીળી કે લીલી લાઇટ પૂરતા સીમિત નથી, પરંતુ તે સંપૂર્ણપણે ટેકનોલોજી આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ છે. આ સિસ્ટમ રસ્તા પરના ટ્રાફિકના દબાણને જાતે જ આંકીને સિગ્નલનો સમયગાળો આપોઆપ નક્કી કરશે. જેના કારણે વાહનચાલકોને લાંબો સમય સુધી ઊભા રહેવું નહીં પડે અને ટ્રાફિક જામની સમસ્યામાં મોટો ઘટાડો થશે.

શહેરના નવા વિકસતા વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઝડપથી વધી રહ્યું છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા આયોજનબદ્ધ કામગીરી શરૂ કરાઈ છે. તાજેતરમાં જ આ 125માંથી 45 જેટલા મહત્ત્વના ટ્રાફિક જંકશનો પર નવી કંટ્રોલ સિસ્ટમ લગાવવા માટેનો જરૂરી અંદાજ પણ મંજૂર કરી દેવામાં આવ્યો છે, આ નવા સ્માર્ટ સિગ્નલો અત્યાધુનિક હાઇટેક કેમેરા અને ઓટોમેટિક મોનિટરિંગ સિસ્ટમથી સજ્જ હશે.

આ કેમેરાના ફૂટેજનો ઉપયોગ માત્ર ટ્રાફિક નિયમન માટે જ નહીં, પરંતુ પોલીસ દ્વારા વિવિધ ગુનાહિત કેસોના ઉકેલ અને અકસ્માતોની સચોટ તપાસ માટે પણ કરી શકાશે. આ ઉપરાંત, આખી સિસ્ટમ ટેકનોલોજી આધારિત હોવાથી ટ્રાફિક નિયમન માટે મેનપાવર (માનવબળ)ની જરૂરિયાત ઘટશે, જેનાથી ટ્રાફિક પોલીસ વિભાગને મોટી રાહત મળશે. ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમના આ અપગ્રેડેશનથી માત્ર ટ્રાફિક વ્યવસ્થા જ સુધરશે નહીં, પરંતુ શહેરીજનોનો સમય બચશે, યાતાયાત વધુ સરળ બનશે અને શહેરની સ્માર્ટ ઇન્ફાસ્ટ્રક્ચરને પણ નવી ગતિ મળશે.