Exclusive: સુરતમાં શ્રીહનુમાન ચાલીસા યુવા કથામાં અનોખી પહેલ, 2025 ગંગા સ્વરૂપ બહેનોને એક વર્ષ ચાલે એવી અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરાશે

આ કથામાં સાતે સાત દિવસ કુલ 2025 ગંગા સ્વરૂપે બહેનોને એક વર્ષ સુધી ચાલે એવી અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરાશે. જેમાં અંદાજે 4.50 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચો થશે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 17 Dec 2024 03:53 AM (IST)Updated: Tue, 17 Dec 2024 03:53 AM (IST)
shree-hanuman-chalisa-yuva-katha-surat-2025-ganga-swarup-sisters-to-receive-one-year-food-grain-kits

કિશન પ્રજાપતિ, સુરત:, Shree Hanuman Chalisa Yuva katha Surat: સુરતના સરથાણા ખાતે આગામી તારીખ 28 ડિસેમ્બરથી ત્રણ જાન્યુઆરી 2025 સુધી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાળંગપુરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી શ્રોતાઓને હનુમાનજીના મહિમાનું રસપાન કરાવશે. આ કથામાં સાતે સાત દિવસ કુલ 2025 ગંગા સ્વરૂપે બહેનોને એક વર્ષ સુધી ચાલે એવી અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરાશે. જેમાં અંદાજે 4.50 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચો થશે.

મહત્વનું છે કે, આજના યુવાનો પશ્ચિમી સંસ્કૃતિથી દૂર રહે અને ડ્રગ દારૂ સહિત અન્ય વ્યસનો ના કરે તે માટે હરિ પ્રકાશ સ્વામી દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં દરરોજ શરૂઆત રાષ્ટ્રગાનથી થશે. 

સનાતન હિન્દુ ધર્મમાં હનુમાનજી મહારાજનો મહિમા જન-જન સુધી પહોંચે તેમજ તમામ સમાજના લોકોને સાથે રાખી એક ઉત્તમ સમાજનું નિર્માણ થાય અને યુવાનોમાં રાષ્ટ્રભકિત તેમજ આધ્યાત્મિક ભકિત ઉજાગર થાય અને વ્યસનો છોડી હનુમાનજી દાદાને પોતાના આર્દશ માની સાચા રસ્તે વળે એવા શુભ ઉદ્દેશથી તેમજ શ્રી મારૂતિધૂન મંડળ યુવા ગૃપ કરતાલ ધ્વનિ-ધુન દ્વારા થતી સેવા ગંગાસ્વરૂપ બહેનોને વર્ષોથી અનાજ-કરીયાણાની કીટ આપવાનું કાર્ય કરે છે. તો આ કથા દરમિયાન 2025નું નવુ વર્ષની શરૂઆત સાથે 2025 જેટલા નિરાધાર ગંગાસ્વરૂપ બહેનોને અનાજ-કરીયાણાની કીટ આપવાના શુભસંકલ્પથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

2025 ગંગા સ્વરૂપ બહેનોને અપાનારી અનાજ કરિયાણાની કીટ વિશે વાત કરતા ચેતનભાઇ ઠુમરે જણાવ્યું કે, છેલ્લા 21 વર્ષથી અમે ધૂન મંડળ ચલાવીએ છીએ એટલે અમારી પાસે ગંગા સ્વરૂપે બહેનો જે સુરતમાં રહે છે એનો મોટી સંખ્યામાં ડેટા છે. અમે એવી ગંગા સ્વરૂપે બહેનોને અનાજ કરિયાણાની કીટો આપીશું કે જેમના દીકરા 18 વર્ષથી ઓછી ઉંમરના હોય અને એમના જીવન નિર્વાહ માટેનો કોઈ આવકનો સ્ત્રોત હોય નહીં. એક કીટની કિંમત અંદાજે 15-20 હજાર રૂપિયા થાય છે. આ કથા ની અમે પાંચ લાખ પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. આ તમામ બહેનો એવી રીતે નક્કી કર્યા કે કોઈના રેફરન્સ દ્વારા આવ્યા હોય તેમને યોગ્ય તપાસ કરીને અમે આ કીટનું વિતરણ કરવાનું નક્કી કર્યું છે.

આ અંગે હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે, ભાવી પેઢી માટે હનુમાનજી રોલ મોડેલ છે. આ કથામાં 2025 ગંગા સ્વરૂપે બહેનોને અનાજ કરિયાણાની કીટનું વિતરણ થશે તે ખૂબ જ સરાનીય અને પ્રશંસનીય કામગીરી છે. કથા શરૂ થયાથી અંત સુધી દરરોજ બહેનોને આ કીટ નું વિતરણ કરાશે. આમ આખી કથા દરમિયાન 2025 બહેનોને અનાજ કરિયાણાની એક વર્ષ સુધી ચાલે એવી કીટ આપવામાં આવશે.

ગંગા સ્વરૂપ બહેનોને અપાતી અનાજ-કરીયાણાની કિટમાં આટલી વસ્તુ હશે.

  • 3 કટ્ટા ઘઉં
  • 2 તેલના ડબ્બા
  • 10 કિલો ખાંડ
  • 2 કિલો ચા
  • 15 કિલો ચોખા કોલમ
  • 5 કિલો તુવેર દાળ
  • 10 કિલો બાજરી
  • 2 કિલો ગોળ
  • 5 કિલો ખીચડીયા ચોખા
  • 1 કિલો મગ દાળ
  • 1 કિલો મગ
  • 1 કિલો ચોળી
  • 1 કિલો કાબુલી ચણા
  • 1 કિલો દેશી ચણા
  • 1 કિલો અડદની દાળ
  • 500 ગ્રામ વટાણા
  • 1 કિલો મઠ
  • 3 બાંધા કપડાં ધોવાના સાબુ
  • 10 પીસ લાવવાના સાબુ
  • 3 થેલી કપડાં ધોવાનો પાવડર
  • 2 કિલો ચણા દાળ
  • 2 કિલો ચણાનો લોટ
  • 2 થેલી મમરા
  • 500 ગ્રામ મકાઈ
  • 500 ગ્રામ પૌવા
  • 300 ગ્રામ ભૂંગળી
  • 1 કિલો લાલ મરચું
  • 1 કિલો ધાણાજીરું
  • 1 કિલો હળદર
  • 3 કિલો મીઠું
  • 100 ગ્રામ હિંગ
  • 100 ગ્રામ મસાલો
  • 500 ગ્રામ હેર ઓઇલ
  • 250 ગ્રામ જીરૂ
  • 500 ગ્રામ રાઈ
  • 1 કિલો ચોખાના પીવા
  • 2 બોક્સ માચીસ

કથામાં આ કાર્યક્રમ યોજાશે

  • તારીખ 27-12-2024એ શુક્રવારે રાત્રે 8.30 કલાકે ધૂન-કિર્તન-ભજન યોજાશે.
  • તારીખ 28-12-2024એ શનિવારે બપોરે 3.00 કલાકે પોથી યાત્રા યોજાશે. જેમાં મહિલા ભક્તો રામચરિત્ર માનસની 1100 પોથીને પોતાના મસ્તક પર ધારણ કરશે. સંતો મહંતો પોથીયાત્રા દરમિયાન દર્શનનો લાભ આપશે. ભારતીય સંસ્કૃતી નૃત્ય-નાટીકાની શોભાવૃધ્ધીથી નાચી ઉઠશે. નાશીક ઢોલ-નગારા, હાથી અંબાડી, ઘોડા બગીઓ, ઊંટગાડી, બળદગાડા ખુલ્લી યાર જીપ, બુલેટ સમૂહ પોથીયાત્રાની શોભા વધારશે. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા દેવી-દેવતા તેમજ હનુમાનજી વાનર સેનાની વેશભૂષા ધારણ કરીને ભક્તો પોથીયાત્રામાં પધારશે.
  • તારીખ 31-12-2024એ મંગળવારે રાત્રે 10.00 વાગે શ્રીહનુમાન જન્મોત્સવ યોજાશે. જેમાં 151 કિલોની કેક દાદાને ધરાવવામાં આવશે. સમગ્ર સભામંડપ ફુલો, રંગોળી અને વિવિધ ભાતચીત્રોથી સજાવાશે. 2000 કિલોથી વધુ ચોકલેટ ધરાવવામાં આવશે. 108 કિલો પુષ્પવર્ષાથી દાદાના વધામણા થશે. દાદાને ભવ્ય ફળોથી ભોગ ધરાવવામાં આવશે. સભા મંડપ ફટાકડા-આતશબાજીથી દાદાના જન્મોત્સવમાં ડી.જેના તાલે લાખો યુવાનો ભકતીમય રીતે 31 ડીસેમ્બરે નવા વર્ષની ઉજવણી કરશે.
  • તારીખ 1-1-2025એ બુધવારે સાંજે 8 કલાકે દાદાનો ભવ્ય ફળફુટ ઉત્સવ યોજાશે. જેમાં વિવિધ પ્રકારના 11000 કિલોથી વધુ દેશી તેમજ વિદેશી ફળોથી ભવ્ય ફળફુટ દાદાને ધરાવવામાં આવશે. દરેક ભાવિક ભકતો પોતાની શ્રધ્ધાભાવથી દાદાને ધરવા માટે ફળો ઘરેથી લાવશે જે સુંદર ભાતકૃતીથી સજજ થશે.
  • કથા અંતર્ગત દરરોજ યજમાનના હસ્તે અસંખ્ય નિરાધાર ગંગાસ્વરૂપ બહેનોને અનાજ કરીયાણાની કીટ વિતરણ થશે.