શંકરસિંહ વાઘેલાના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો: ‘ભારતની વિદેશનીતિ દિશાવિહીન અને અમેરિકાની કઠપૂતળી જેવી’, મોંઘવારી અને લવ જેહાદ મુદ્દે ભાજપને ઘેર્યું

શંકરસિંહ વાઘેલાએ ભારત અને અમેરિકાના સંબંધો પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની નીતિઓને કારણે ભારત દેશની આબરૂ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 13 Mar 2026 02:34 PM (IST)Updated: Fri, 13 Mar 2026 02:43 PM (IST)
shankarsinh-vaghela-harsh-attack-on-the-central-government-india-foreign-policy-is-directionless-and-like-a-puppet-of-america

Shankarsinh Vaghela: ગુજરાતના રાજકારણના ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાએ વર્તમાન આંતરરાષ્ટ્રીય વાતાવરણ અને ભારતની ભૂમિકા અંગે સરકારની આકરી ટીકા કરી છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતની વર્ષો જૂની સ્થિર વિદેશનીતિ અત્યારે દિશાવિહીન બની ગઈ છે અને દેશ જાણે અમેરિકાનું એક રાજ્ય હોય તેવો વ્યવહાર કરી રહ્યો છે.

વિદેશનીતિ અને અમેરિકા સાથેના સંબંધો પર કટાક્ષ

શંકરસિંહ વાઘેલાએ ભારત અને અમેરિકાના સંબંધો પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની નીતિઓને કારણે ભારત દેશની આબરૂ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટી છે. ભારત અત્યારે અમેરિકાની કઠપૂતળી હોય તેવો દેખાવ થઈ રહ્યો છે. વર્ષોથી ઈરાન સાથેના ભારતના જે મજબૂત સંબંધો હતા, તે અત્યારે ગીરવે મૂકાઈ ગયા છે. વડાપ્રધાનના અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પ સાથેના સંબંધોને તેમણે અત્યંત હલકા ગણાવ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે દેશના વડાપ્રધાન જનતાની પરવા કર્યા વગર ટ્રમ્પના શરણોમાં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

એપ્સ્ટીન ફાઈલ અને દલાલીના ગંભીર આક્ષેપો

વાઘેલાએ અત્યંત વિવાદાસ્પદ 'એપ્સટીન ફાઈલ'નો ઉલ્લેખ કરતા સરકારના મંત્રીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, હરદીપ સિંહ પુરી જેવા લોકો સરકારના દલાલ તરીકે કામ કરી રહ્યા છે. કોઈપણ સરકારી કનેક્શન વગર ભારત સરકારની પોલિસીની વિગતો એપ્સ્તીન જેવા શખસોને પહોંચાડવામાં આવતી હતી, જે દેશ માટે શરમજનક છે. આનાથી દેશની આબરૂને મોટું નુકસાન થયું છે.

મોંઘવારી: ગેસ અને પેટ્રોલના ભાવથી જનતા પરેશાન

દેશની આર્થિક સ્થિતિ અને મોંઘવારી અંગે ચેતવણી આપતા તેમણે કહ્યું કે, જો સરકાર પેટ્રોલ અને ગેસના ભાવ પર નિયંત્રણ નહીં લાવે, તો આગામી દિવસોમાં લોકોની હોટલો અને ગૃહિણીઓના રસોડા બંધ થઈ જશે. તેમજ મોંઘવારી કુદકે ને ભૂસકે વધી રહી છે અને સરકાર પાસે આને રોકવા માટે કોઈ સ્પષ્ટ દિશા કે નીતિ નથી. સરકાર માત્ર ગપ્પા મારીને જનતાને છેતરી રહી છે.

લવ જેહાદ અને વ્યક્તિગત સ્વતંત્રતા

સામાજિક મુદ્દે ભાજપના ‘લવ જેહાદ’ના એજન્ડા પર પ્રહાર કરતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, લગ્ન એ સંપૂર્ણપણે વ્યક્તિગત વિષય છે. પ્રેમનો કોઈ ધર્મ હોતો નથી, ધર્મ તો કામચલાઉ (ટેમ્પરરી) બાબત છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપના જ અનેક મોટા હિન્દુવાદી નેતાઓની દીકરીઓએ મુસ્લિમ યુવકો સાથે લગ્ન કર્યા છે. અંધભક્તોને નિશાન બનાવતા તેમણે પૂછ્યું કે, જ્યારે તમારા જ નેતાઓના જમાઈ અન્ય ધર્મના હોય ત્યારે તમને શરમ નથી આવતી?

શંકરસિંહ વાઘેલાના આ આકરા નિવેદનોથી રાજકીય ગરમાવો વધી ગયો છે. ખાસ કરીને વિદેશનીતિ અને લવ જેહાદ પરના તેમના પ્રહારો આગામી દિવસોમાં ભાજપ અને વિપક્ષ વચ્ચે નવી ચર્ચાઓ છેડશે તે નક્કી છે.