Surat ISPL Season 3 : ડાયમંડ સિટી સુરતમાં આયોજીત ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની (ISPL) રવિવારની મેચ માટે બોલીવુડના સ્ટાર કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂર સુરત આવ્યા હતા. જોકે, મેચ પૂર્ણ કરીને સ્ટેડિયમની બહાર નીકળી રહેલા સૈફ અલી ખાન અને કરીના કપૂર સામે કેટલાક યુવાનોએ કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો.
'કોલકતા ટાઈગર' ને સપોર્ટ કરવા આવ્યું રોયલ કપલ
સુરતના જાણીતા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રવિવારે ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) અંતર્ગત કોલકતા ટાઈગર્સ અને અમદાવાદ લાયન્સ વચ્ચે એક મેચ રમાઈ હતી. સૈફ અલી ખાન અને કરીના કપૂર તેમની ટીમ 'કોલકતા ટાઈગર' ને સપોર્ટ કરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૈફ અને કરીના મેચનો આનંદ માણતા અને ટીમનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા.
એરપોર્ટ પર ચાહકો ઉમટી પડ્યા
સૈફ અલી ખાન અને કરીના કપૂર જેવા દિગ્ગજ બોલીવુડ સ્ટાર સુરત આવી રહ્યા હોવાની જાણ થતા જ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફેન્સ ઉમટી પડ્યા હતા. જોકે, સુરક્ષા વ્યવસ્થા જળવાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ટાઈટ સિક્યુરિટી વચ્ચે સૈફ અલી ખાન અને કરીના કપૂર પરિવાર સાથે એરપોર્ટથી સીધા જ ક્રિકેટ સ્ટેડિયમ તરફ રવાના થયા હતા.
આ પણ વાંચો: Surat: અલથાણમાં રિવર્સ આવતા ટ્રેક્ટર નીચે કચડાયેલી મહિલાનો બચાવ, રૂંવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો
સૈફ-કરીનાને થયો કડવો અનુભવ
મેચ પૂર્ણ કરીને સ્ટેડિયમની બહાર નીકળી રહેલા સૈફ અલી ખાન અને કરીનાની એક ઝલક જોવા સ્થાનિક લોકો સ્ટેડિયમ બહાર એકઠા થયા હતા. આ દરમિયાન કેટલાક યુવકોના ટોળાએ સૈફ અલી ખાનને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં, આ યુવાનોએ હાથમાં કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, પોલીસ સ્ટાફે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબૂ મેળવીને સૈફ અલી ખાનના કાફલાને સુરક્ષિત રીતે રવાના કર્યો હતો.
અમદાવાદ લાયન્સનો 4 વિકેટે વિજય
કોલકતા ટાઈગર્સ અને અમદાવાદ લાયન્સ વચ્ચે રમાયેલી આ મેચમાં છેલ્લી ઘડી સુધી રોમાંચ રહ્યો હતો. અમદાવાદ લાયન્સે કોલકતા ટાઈગર્સ સામે 4 વિકેટે વિજય મેળવી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) સીઝન 3 ના પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યુ હતું. આ મેચમાં 84 રનના લક્ષ્યનો પીછો કરતા અમદાવાદ લાયન્સની ટીમ અને કોલકતા ટાઈગર્સ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. જોકે, અમદાવાદ લાયન્સના કેપ્ટન જીગ્નેશ પટેલે અંતિમ બોલ પર ચોગ્ગો ફટકારી મેચને સિનેમેટિક અંત આપી જીતી લીધી હતી.
