Surat News: ગત બુધવારે દુબઈથી ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઇટને ગંભીર દુર્ઘટનાથી બચાવનાર ભારતીય પાઇલટ સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે સુરતમાં વિવિધ સ્થળોએ પ્રાર્થના કરવામાં આવી હતી. ફ્લાઇટ દરમિયાન પાઇલટ સ્મિત મચ્છર પર તેમના કો-પાઇલટ દ્વારા ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઘાયલ થવા છતાં સ્મિત મચ્છરે હિંમતપૂર્વક પરિસ્થિતિનો સામનો કરી ફ્લાઇટને સુરક્ષિત રીતે સંભાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હાલ તેઓ સારવાર હેઠળ છે.
પાઇલટ સ્મિત મચ્છર જલ્દીથી સ્વસ્થ થઈને ફરી સ્વસ્થ જીવન તરફ પરત ફરે તેવી પ્રાર્થના સાથે સુરતની મજુરા મામલતદાર કચેરી તથા ઉધના મામલતદાર કચેરીના અધિકારી-કર્મચારીઓ દ્વારા ઇચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવજીને પ્રાર્થના કરવામાં આવી હતી.
આ ઉપરાંત, પૂણાગામ મામલતદાર કચેરીના અધિકારી-કર્મચારીઓ દ્વારા તાપી નદીના કિનારે આવેલા જલારામ મંદિરે જઈ પાઇલટ સ્મિત મચ્છરના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. અધિકારી-કર્મચારીઓએ સ્મિત મચ્છરની હિંમત અને ફરજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવતાં તેઓ વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.
By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 01 Oct 2026 11:22 PM (IST)Updated: Thu, 01 Oct 2026 11:22 PM (IST)
