Surat News: સરદાર વલ્લભભાઈ પટેલની એકતા અને અખંડિતતા અને વડાપ્રધાનના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના હેતુને ચરિતાર્થ કરતી ‘એકતા યાત્રા’ 31 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં યોજાશે, ત્યારે દેશના ખૂણે-ખૂણેથી ગુજરાતના વિકાસ અને સાંસ્કૃતિક વિરાસતને નિહાળવા માટે પ્રતિનિધિઓ આવી રહ્યા છે.
ઓડિશાના વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ ધામથીમલકાગિરી-કલાહાંડી ક્ષેત્રના પ્રતિનિધિ ત્રિપાટી પ્રધાને ‘એકતા યાત્રા’માં વિશેષ સહભાગી બની સુરતની બે દિવસીય મુલાકાત લીધી હતી. આ મુલાકાતને જીવનની યાદગાર ક્ષણ ગણાવી તેમણે ડાયમંડ સિટી સુરતના આધુનિક વિકાસ, ઉદ્યોગો અને અહીંની આતિથ્ય ભાવનાથી પ્રભાવિત થયા હતા.
સુરત આગમન પર સ્વ- અનુભવ જણાવતા ત્રિપાટી પ્રધાને જણાવ્યું કે, બે દિવસીય યાત્રા અત્યંત ઉત્સાહવર્ધક અને ગૌરવભરી રહી છે. અમે વિશ્વમાં સૌથી મોટા ડાયમંડ હબ તરીકે સુરતના વિશ્વપ્રસિદ્ધ ડાયમંડ બુર્સ અને જ્વેલરી ઉદ્યોગની ઝાંખી કરી હતી. સુરતની ઔદ્યોગિક પ્રગતિને નજરે જોઈને મને એક ભારતીય તરીકે ગર્વની અનુભૂતિ થાય છે.
આ પણ વાંચો
હીરા ઉદ્યોગ ઉપરાંત તેમણે સુરતના ટેક્સટાઈલ માર્કેટ અને મેન્યુફેક્ચરિંગ યુનિટની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. જ્યાં કાચા સૂતરથી લઈને કોટન કપડાં બનવાની આખી પ્રક્રિયાને નજીકથી નિહાળી હતી. ગુજરાત અને ઓડિશા વચ્ચેના સદીઓ જૂના અને ભાવાત્મક સંબંધ વિશે જણાવતા તેમણે ઉમેર્યું કે, સુરત જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક સ્ટાફના આતિથ્ય સત્કાર હંમેશા યાદ રહેશે. ‘રાષ્ટ્રીય એકતા દિન’ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમથી ઓડિશા અને ગુજરાત ભૌગોલિક રીતે જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને ભાવનાત્મક રીતે પણ એક તાંતણે બંધાઈ ગયા હોય તેવી અનુભૂતિ થઈ છે.
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનાસંદેશને યાદ કરતા ત્રિપાટી પ્રધાને ઉમેર્યું કે, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ એ જ આપણી રાષ્ટ્રીય એકતાની સાચી ઓળખ અને મૂળ મંત્ર છે. સુરતનું આધુનિક ડેવલપમેન્ટ, વિશાળ ડાયમંડ માર્કેટ અને પ્રગતિશીલ માહોલ એ વાતની સાક્ષી પૂરે છે કે આજે સરદાર સાહેબનું અખંડ અને એક ભારતના નિર્માણનું સ્વપ્ન સાચા અર્થમાં સાકાર થઈ રહ્યું છે.
