Surat News: રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત, ઝડપી અને બહેતર આરોગ્ય સેવાઓ મળી રહે તથા ગ્રામ્ય વિસ્તારો સુધી કટોકટીના સમયે તબીબી સહાય પહોંચે તે હેતુથી આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા બજાજ ફાઈનાન્સના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી- CSR ફંડ અંતર્ગત રાજ્યની સેવાભાવી હોસ્પિટલોને 25 જેટલી એમ્બ્યુલન્સ ફાળવવાનો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય અંતર્ગત પ્રથમ ચરણમાં આજે સુરતથી આરોગ્ય મંત્રીના હસ્તે આધુનિક આરોગ્ય સંસાધનોથી સજ્જ 5 એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી સેવામાં રવાના કરવામાં આવી હતી. જેનાથી ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓને આ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સેવા મળવાથી ખૂબ મોટી રાહત મળી રહેશે.
પ્રથમ તબક્કામાં એમ્બ્યુલન્સ મેળવનાર હોસ્પિટલ
- માતુશ્રી રામુબા તથા માતુશ્રી શાંતાબા વીડિયા હોસ્પિટલ (ડાયમંડ હોસ્પિટલ - સુરત)
- વિદ્યાગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટ - લલ્લુભાઈ હોસ્પિટલ (સાવરકુંડલા)
- સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ (ટીંબી, તા. ઉમરાળા, જિ. ભાવનગર)
- દિનબંધુ ચેરિટેબલ હોસ્પિટલ (ખોલવડ, તા. કામરેજ)
- પૂ. મુક્તાનંદ બાપુ પ્રેરિત જય અંબે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ (ચાપરડા, તા. વિસાવદર, જિ. જૂનાગઢ)
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, સેવાભાવ સાથે ટ્રસ્ટીઓ દ્વારા માત્ર દાનના માધ્યમથી હોસ્પિટલો ચલાવવી એ કોઈ પવિત્ર યજ્ઞથી કમ નથી. રાજ્યમાં ઘણી હોસ્પિટલો સંપૂર્ણપણે વિનામૂલ્યે ચાલે છે અને ત્યાં કેશ કાઉન્ટર જ હોતા નથી. ત્યારે આવા સેવાયજ્ઞમાંઆહુતિ આપવા માટે રાજ્ય સરકારે બજાજ ફાઇનાન્સના આર્થિક સહયોગથી 25 આધુનિક એમ્બ્યુલન્સ આપવાનો સંકલ્પ કર્યો છે.
તેમણે જણાવ્યું કે, એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓ પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. હાલ રાજ્યમાં કાર્યરત 108 સેવા ઉપરાંત આ ખાનગી ટ્રસ્ટની હોસ્પિટલોની એમ્બ્યુલન્સ આજુબાજુના ગામોના ગરીબ દર્દીઓ માટે ઈમરજન્સી સમયે, સાપ કે વીંછી જેવા ઝેરી જીવજંતુ કરડવા પર અથવા પ્રસૂતિ જેવા કટોકટીના સમયે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
