જમ્મુ-કાશ્મીરમાં ટેમ્પો ટ્રાવેલર ખીણમાં ખાબકી, સુરતના શાહ પરિવારના ચાર સભ્યો ઈજાગ્રસ્ત

ટેમ્પો ટ્રાવેલર અનિયંત્રિત થઈને આશરે 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 11 Nov 2026 05:59 PM (IST)Updated: Wed, 11 Nov 2026 05:59 PM (IST)
jammu-kashmir-tempo-traveller-accident-surat-shah-family-injured

Jammu and Kashmir Accident: જમ્મુ-કાશ્મીરમાં મંગળવારની રાત્રે પ્રવાસીઓથી ભરેલો એક ટેમ્પો ટ્રાવેલર અનિયંત્રિત થઈને આશરે 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં વાહનમાં સવાર કુલ 18 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જે પૈકી 6 મુસાફરોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતગ્રસ્ત વાહનમાં સુરતના ન્યૂ રાંદેર રોડ પર દિવ્યા સોપ સામે આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા અને હજીરા વિસ્તારની એક પોર્ટમાં ઓફિસર તરીકે ફરજ બજાવતા જય શાહ તેમજ તેમનો પરિવાર પણ સવાર હતો. તેઓ સોનમર્ગની મુલાકાત પૂર્ણ કરી શ્રીનગર સ્થિત હોટેલ તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે પહાડી માર્ગ પર આ દુર્ઘટના બની હતી.

દિવાળી વેકેશન માણવા માટે જય શાહ ગત 4 તારીખે પત્ની અને પોતાના 2 પુત્રો સાથે 12 દિવસના પ્રવાસે નીકળ્યા હતા. પરિવાર પહેલાં દિલ્હી પહોંચ્યો અને ત્યાંથી વૈષ્ણોદેવી દર્શન માટે ગયો હતો. વૈષ્ણોદેવી દર્શન પૂર્ણ કર્યા બાદ પરિવાર આગળની યાત્રા માટે કાશ્મીર તરફ જઈ રહ્યો હતો.

દુર્ઘટના અંગે ઈજાગ્રસ્ત જય શાહે જણાવ્યું કે, તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે અને ઘણા ટાંકા આવ્યા છે, પરંતુ હાલ તેઓ આઉટ ઓફ ડેન્જર છે. જ્યારે તેમના પત્ની સુરક્ષિત છે અને બંને પુત્રો પ્રિયાંશ તથા જીયાનને સામાન્ય નાની-મોટી ઇજાઓ પહોંચી છે. હાલ સમગ્ર પરિવાર શ્રીનગર જિલ્લાની SKIMS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જય શાહે વધુમાં જણાવ્યું કે, તેઓ 8 દિવસના પ્રવાસ પેકેજ પર કાશ્મીર ગયા હતા, જેમાંથી હજુ 5 દિવસનો પ્રવાસ બાકી હતો. જોકે અચાનક સર્જાયેલા અકસ્માત અને ઈજાઓને પગલે તેઓ પ્રવાસ અધૂરો મૂકીને વહેલી તકે સુરત પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે. તેમનો આ પ્રવાસ આગામી 17 તારીખ સુધીનો હતો, પરંતુ હવે યાત્રા ચાલુ રાખવી કે કેમ તે અંગે નિર્ણય લેશે અને જરૂર પડ્યે પરિવાર વહીવટી તંત્રની સહાયતા લેશે.