સુરત જિલ્લાના માંડવીના પુના ગામે એક કદાવર દીપડો પાંજરે પુરાયો છે. છેલ્લા ઘણા સમયથી દીપડો ગામની સીમમાં આંટાફેરા મારતો હોવાથી સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. જેથી વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું. જેમાં આજે એક કદાવર દીપડો પાંજરે પુરાયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર હજુ બેથી ત્રણ દીપડા છે, જેથી વન વિભાગ બીજા પાંજરા ગોઠવી દીપડાને પકડે તેવી માંગ કરી છે.
સુરત તેમજ તાપી જિલ્લામાં અવાર નવાર દીપડા દેખાયા હોવાના અહેવાલો સામે આવતા હોય છે ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના પુના ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટાફેર જોવા મળ્યા હતા. દીપડાને લઈને ગામજનોમાં ભયનો માહોલ હતો. દીપડો દેખાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી.
આ પણ વાંચો
વન વિભાગની ટીમ એકશનમાં આવી દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા હતા જેમાં આજે વહેલી સવારે એક કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. વન વિભાગે ગોઠવેલા પાંજરામાં કદાવર દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતા ગામજનો દીપડાને જોવા પણ ઉમટી પડ્યા હતા. જો કે આખરે એક દીપડો પાંજરે પુરાઈ જતા ગામજનોએ રાહતનો દમ લીધો હતો.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે સાડા પાંચ વાગ્યાના અરસામાં એક દીપડો પાંજરે પુરાયો છે. હજુ અન્ય 3 થી 4 દીપડા હોવાની આશંકા છે જેથી વન વિભાગ બીજા પાંજરા પૂરી અન્ય દીપડાઓને પણ પાંજરે પૂરે તે જરૂરી છે. દીપડો રાતે આવીને પશુઓનો શિકાર કરે છે જેથી વન વિભાગને બીજા પાંજરા મુકીને પકડવા માટે વિનંતી કરી છે.
