મોંઘવારીનો વધુ એક ડામ; ગુજરાત ગેસે CNG ના ભાવમાં ઝીંક્યો 2 રૂપિયાનો વધારો, જાણો સુરતમાં હવે શું છે નવો રેટ

ગુજરાત ગેસ દ્વારા સોમવારથી જ CNGના ભાવમાં પ્રતિકિલો ₹2નો વધારો લાગુ કરી દેવાયો છે. સુરતમાં હવે નવો ભાવ ₹85.01 થયો છે, જેના કારણે રિક્ષાચાલકો અને સામાન્ય જનતા પર આર્થિક બોજ વધશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 20 Jul 2026 07:06 PM (IST)Updated: Mon, 20 Jul 2026 07:06 PM (IST)
gujarat-gas-hikes-cng-prices-by-2-rupees-find-out-the-new-rate-in-surat

Gujarat Gas CNG Price: મોંઘવારીના આકરા માર વચ્ચે સામાન્ય જનતા અને મધ્યમ વર્ગના ખિસ્સા પર વધુ એક આર્થિક બોજ ઝીંકાયો છે. રાજ્યની અગ્રણી ગેસ વિતરણ કંપની ગુજરાત ગેસ દ્વારા સીએનજી (CNG)ના ભાવમાં પ્રતિકિલો ₹2નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. કંપની દ્વારા વધારવામાં આવેલા આ નવા દરો સોમવાર, 20 જુલાઈથી જ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે.

આ ભાવ વધારા બાદ ડાયમંડ સિટી સુરતમાં હવે સીએનજીનો નવો ભાવ વધીને ₹85.01 પ્રતિકિલો પર પહોંચી ગયો છે. અચાનક કરાયેલા આ ભાવ વધારાને કારણે સુરત શહેર સહિત સમગ્ર રાજ્યના હજારો ઓટો-રિક્ષા ચાલકો, સ્કૂલ વાન ચલાવતા ઓપરેટરો અને ખાનગી સીએનજી કાર રાખતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પેટ્રોલ અને ડીઝલના મોંઘા વિકલ્પ સામે લોકોએ સીએનજી અપનાવ્યો હતો, પરંતુ હવે સીએનજી પણ સામાન્ય માણસની પહોંચથી દૂર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

ભાડા વધારાની માંગ ઉઠશે

ગુજરાત ગેસના આ નિર્ણયની સૌથી મોટી અને સીધી અસર રોજનું કમાઈને રોજ ખાતા ઓટો-રિક્ષા ચાલકો પર પડવા જઈ રહી છે. સ્થાનિક રિક્ષા ઓપરેટરોના જણાવ્યા અનુસાર, ગેસના ભાવ વધવાને કારણે તેમની દૈનિક કમાણીમાં મોટો ઘટાડો થશે. મોંઘવારીના પ્રમાણમાં ગેસના ભાવ સતત વધી રહ્યા છે પરંતુ પેસેન્જર ભાડા એ જ રહેતા હોવાથી ઘર ચલાવવું મુશ્કેલ બનશે. જો આગામી દિવસોમાં સ્થિતિ આવી જ રહી તો રિક્ષા એસોસિએશન દ્વારા સત્તાવાર રીતે ભાડા વધારા માટે રજૂઆત કરવાની ફરજ પડી શકે છે.

સ્કૂલ વાન અને ટ્રાન્સપોર્ટ મોંઘું થવાના સંકેત

નવા સત્રની શરૂઆત સાથે જ વાલીઓ ઓલરેડી સ્કૂલ ફી અને સ્ટેશનરીના ખર્ચથી પરેશાન છે, ત્યાં હવે સ્કૂલ ટ્રાન્સપોર્ટ પણ મોંઘું થવાના એંધાણ છે. સ્કૂલ વાન અને ઓટો ચલાવતા ઓપરેટરોનું કહેવું છે કે ગેસ મોંઘો થતાં તેમનો રનિંગ કોસ્ટ વધી ગયો છે. આ વધારાનો બોજ આખરે વાલીઓ પર જ નાખવામાં આવશે, જેના કારણે સામાન્ય પરિવારોના માસિક બજેટ ખોરવાઈ જશે.

નાના વેપારીઓ અને કોમર્શિયલ વાહનચાલકો પર આર્થિક સંકટ

આ ભાવ વધારો માત્ર મુસાફરી પૂરતો સીમિત નથી, પરંતુ સીએનજી સંચાલિત લોડિંગ વાહનો અને ડિલિવરી વાન પર નિર્ભર નાના વેપારીઓ તેમજ લોજિસ્ટિક્સ બિઝનેસને પણ અસર કરશે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવાને કારણે બજારમાં શાકભાજીથી લઈને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ પરોક્ષ રીતે સામાન્ય વધારો જોવા મળી શકે છે. સોમવાર સવારથી જ સીએનજી પંપ પર પહોંચેલા વાહનચાલકોમાં આ નવા ઝીંકાયેલા ભાવ વધારાને લઈને ભારે આક્રોશ અને નારાજગી જોવા મળી હતી.