Dumas Sea Face Surat: સુરતીઓ અને દક્ષિણ ગુજરાતના સહેલાણીઓ માટે ટૂંકા જ સમયમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા 'ડુમસ સી-ફેસ'ના સમયમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વધારો કરવામાં આવ્યો છે. લોકલાગણી અને મુલાકાતીઓની રજૂઆતને માન આપીને પાલિકાએ સી-ફેસનો સમય સાંજે વધુ એક કલાક લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવેથી સહેલાણીઓ દરિયાકિનારે રાત્રે 8 વાગ્યા સુધી હરવા-ફરવાની મજા માણી શકશે.
ડુમસ સી-ફેસ પ્રોજેક્ટના ઝોન-1ના પેકેજ-1નું લોકાર્પણ ગત 8 માર્ચ 2026ના રોજ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદથી જ આ સ્થળ સુરતીઓનું ઓલ-ટાઇમ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે.
ખાસ કરીને વીકેન્ડ અને હાલમાં જ પુરા થયેલા ઉનાળુ વેકેશન દરમિયાન અહીં સહેલાણીઓનો ભારે ઘોડાપૂર ઉમટ્યું હતો. અત્યાર સુધી સુરક્ષા અને અન્ય કારણોસર સી-ફેસ સવારે 6 થી સાંજના 7 વાગ્યા સુધી જ ખુલ્લો રાખવામાં આવતો હતો. જો કે દૂર-દૂરથી આવતા લોકો સાંજના સમયે દરિયાકિનારે થોડો વધુ સમય વિતાવી શકે તે માટે સમય વધારવાની સતત માંગ કરી રહ્યા હતા. જનતાની આ માંગણીને ધ્યાને રાખીને પાલિકા તંત્રે હવે નવો સમય સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીનો નક્કી કર્યો છે.
સુરતીઓને હરવા-ફરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા મળી રહે તે માટે પાલિકા દ્વારા આ ખાસ પ્રોજેક્ટ તમામ વયજૂથના લોકોને આકર્ષે તે રીતે તૈયાર કરવામાં આવ્યો છે. આ સી-ફેસ પર બાળકો માટે આધુનિક કિડ્સ પ્લે એરિયા, વોક-વે, ફિટનેસ પ્રેમીઓ માટે સાયકલ ટ્રેક, ઈવેન્ટ ગ્રાઉન્ડ અને આહલાદક હોર્ટિકલ્ચર ઊભું કરાયું છે.
આ ઉપરાંત વોરશીપ પ્લાઝા અને વાહનોના વ્યવસ્થિત પાર્કિંગ માટે આધુનિક મલ્ટીલેવલ કાર પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પાલિકાના સમય વધારવાના આ નિર્ણયથી ડુમસ સી-ફેસની મુલાકાતે આવતા હજારો પ્રવાસીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
