Surat News: સુરતની ફેમિલી કોર્ટમાં ચાલી રહેલા એક અત્યંત સંવેદનશીલ અને ચર્ચિત કેસમાં અંતે માનવતા અને પરિવારની જીત થઈ છે. 7 વર્ષની માસૂમ બાળકીને દીક્ષા અપાવવા બાબતે માતા અને પિતા વચ્ચે સર્જાયેલા વિવાદમાં સમાધાન થયું છે. જૈન સમાજના અગ્રણીઓ અને વકીલોની મધ્યસ્થીથી હવે આ પરિવારે ફરી એક છત નીચે રહેવાનો અને દીકરીને હાલ દીક્ષા ન અપાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
દીક્ષાના નિર્ણયથી શરૂ થયો હતો વિવાદ
આ સમગ્ર મામલાની વિગત એવી છે કે, સુરતમાં રહેતા એક જૈન પરિવારની 7 વર્ષની દીકરીને દીક્ષા અપાવવા માટે માતા મક્કમ હતા, જ્યારે પિતાએ દીકરીની નાની ઉંમર હોવાનું જણાવી આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. વિવાદ એટલો વકર્યો હતો કે પત્ની દીકરીને લઈને પિયર જતી રહી હતી અને પિતાએ દીકરીની દીક્ષા રોકવા તેમજ વાલીપણા (Guardianship) માટે ફેમિલી કોર્ટમાં કાયદાકીય શરણ લીધું હતું.
વકીલો અને સમાજની મધ્યસ્થી કામ લાગી
આ કેસમાં આજે ફેમિલી કોર્ટમાં મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં માતાના વકીલ કેતન રેશમવાલા અને પિતાના વકીલ સ્વાતિ મહેતા (સમાપ્તિ મહેતા) તેમજ જૈન સમાજના અગ્રણીઓએ બંને પક્ષોને સમજાવ્યા હતા. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને તેમને માતા-પિતા બંનેનો પ્રેમ મળે તે હેતુથી પરિવારે સમજૂતી સાધવાનો નિર્ણય કર્યો હતો.
સમજૂતી કરારની મુખ્ય શરતો:
- પરિવારનું મિલન: માતા અને પિતા હવે ફરીથી એકસાથે રહેશે. પરિવાર વિખેરાવાને બદલે હવે એક જ ઘરમાં સાથે વસવાટ કરશે.
- બાળકોનો ઉછેર: 7 વર્ષની દીકરી અને 5 વર્ષનો દીકરો હવે માતા-પિતા બંને સાથે રહેશે, જેથી તેમનો યોગ્ય શારીરિક અને માનસિક વિકાસ થઈ શકે.
- કાયદાકીય નિકાલ: દીક્ષા અટકાવવા માટેના સ્ટેની અરજીનો કોર્ટે નિકાલ કર્યો છે અને પિતા પોતાની વાલીપણાની અરજી પણ ટૂંક સમયમાં પાછી ખેંચી લેશે.
સમાજમાં ખુશીની લહેર
માતાના વકીલ કેતન રેશમવાલાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, "આ વિવાદનો ખૂબ જ સુખદ અંત આવ્યો છે. પતિ-પત્ની હવે સાથે રહેશે અને બાળકોને પરિવારનો સાથ અને પ્રેમ મળશે." કાયદાકીય ગૂંચવણોમાં અટવાયેલો આ પરિવાર ફરી એક થતા જૈન સમાજ અને વકીલ આલમમાં પણ આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે. આ કિસ્સો સાબિત કરે છે કે સમજાવટ અને મધ્યસ્થી દ્વારા મોટામાં મોટા પારિવારિક વિવાદોનો ઉકેલ લાવી શકાય છે.
