Surat News: આગામી ચંદી પડવાના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણનું ઉત્પાદન તથા વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસની કાર્યવાહી તેજ કરવામાં આવી છે આજે ઘારીના 12 અને ફરસાણના 7 મળી કુલ 19 નમુના લેવામાં આવ્યા હતા તેમજ ગત 22 ઓક્ટોબરના રોજ લેવાયેલા દુધના માવાના 15 નમુના પૈકી એક નમુનો ધારા ધોરણ મુજબ ન હોવાનું જાહેર થયું છે.
ચંદી પડવાના તહેવાર દરમિયાન નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત મીઠાઈ મળી રહે તે હેતુથી ફૂડ સેફટી ઓફિસરો દ્વારા મીઠાઈ અને ફરસાણનું ઉત્પાદન તથા વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. સુરતમાં ફૂડ સેફટી ઓફિસરો દ્વારા આજે 24 ઓક્ટોબર 2026 ના રોજ ઘારીના અને ફરસાણનું ઉત્પાદન અને વેચાણ કરતી કુલ 12 સંસ્થાઓની સ્થળ તપાસ કરી હતી. ઘારીના 12 અને ફરસાણના 7 મળી કુલ 19 નમુના લેવામાં આવ્યા હતા અને પુથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગર પાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 તથા તેના નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો
ઘારીના 20 નમૂના ધોરણ મુજબના
ફૂડ વિભાગ દ્વારા 23 ઓક્ટોબર, 2026ના રોજ લેવામાં આવેલા ઘારીના કુલ 20 નમૂનાઓનો પૃથ્થકરણ અહેવાલ જાહેર થયો છે. પબ્લિક હેલ્થ લેબોરેટરીના ફૂડ એનાલિસ્ટ દ્વારા આ તમામ નમૂનાઓ નિર્ધારિત ધોરણો મુજબના હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
દુધના માવાનો નમુનો ધોરણો મુજબનો ન હોવાનું સામે આવ્યું
બીજી તરફ, 22 ઓક્ટોબર, 2026ના રોજ લેવામાં આવેલા દુધના માવાના કુલ 15 નમૂનાઓમાંથી એક નમૂનો ધારા ધોરણો મુજબનો ન હોવાનું લેબોરેટરીના અહેવાલમાં સામે આવ્યું છે. આ નમૂનો કતારગામના ચીકુવાડી વિસ્તારમાં આવેલી વિશાલ નગર સોસાયટી સ્થિત કનૈયા ડેરી એન્ડ સ્વીટ્સમાંથી લેવામાં આવ્યો હતો. નમૂનામાં દૂધનો માવો સામેલ હતો. લેબોરેટરીના અહેવાલ મુજબ, માવાના નમૂનામાં Presence of Beta Sitosterol નું પ્રમાણ જોવા મળ્યું છે. આ મામલે સંબંધિત સંસ્થા અથવા વ્યક્તિ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 તથા તેના નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
