'આઠે એકને છેતરીને માર્યો, તોય ભડના દીકરાએ માફી ન માંગી'; સુરતમાં કોળી સમાજની બેઠકમાં હીરા સોલંકીનો હુંકાર

હીરા સોલંકીના આ આક્રમક નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેમના સમર્થનમાં મેસેજો અને વીડિયો વાયરલ થયા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 27 Jan 2026 11:57 AM (IST)Updated: Tue, 27 Jan 2026 11:57 AM (IST)
bagdana-controversy-hira-solanki-addresses-koli-community-gathering-in-surat

Bagdana Controversy Updates: સુરતના સરથાણા વિસ્તારમાં ગત રાત્રિએ કોળી સમાજની એક વિશાળ બેઠક યોજાઈ હતી. બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર થયેલા હુમલાના વિરોધમાં મળેલી આ બેઠકમાં ધારાસભ્ય હીરા સોલંકીએ જે અંદાજમાં સંબોધન કર્યું, તેનાથી વાતાવરણ એકદમ તંગ અને જુસ્સાદાર બની ગયું હતું.

મેલડી માતાના મંદિરે ઊમટ્યું માનવ મહેરામણ

26 જાન્યુઆરીની રાત્રે સરથાણાના મેલડી માતાના મંદિર પરિસરમાં આશરે 1000થી વધુ લોકો એકત્ર થયા હતા. વરાછા અને આસપાસના વિસ્તારોમાંથી ઉમટેલા સમાજના લોકો જમીન પર બેસીને હીરા સોલંકીને સાંભળવા માટે આતુર હતા. આ બેઠક માત્ર એક ચર્ચા નહીં, પરંતુ સમાજ પર થતા અત્યાચાર સામેના શક્તિ પ્રદર્શન સમાન બની રહી હતી.

'છેતરીને માર્યો અને વીડિયો બનાવ્યો એ ખટકી ગયું'

હીરા સોલંકીએ પોતાની આગવી અને ધારદાર શૈલીમાં વાત કરતા જણાવ્યું કે, "એક વ્યક્તિ માર ખાય છે અને આઠ લોકો મારે છે, તોય મારા ભડના દીકરાએ માફી નથી માગી! મારવું અને માર ખાવો એ બંને મર્દાનગીનું કામ છે, પણ છેતરીને મારવું અને તેનો વીડિયો બનાવી દહેશત ઊભી કરવી એ મર્દાનગી નથી. આ વાત મને મગજમાં ખટકી ગઈ છે. આવી દાદાગીરી હવે સહન નહીં થાય, પછી સામે ગમે તે કેમ ન હોય!" હીરા સોલંકીના આ નિવેદન સાથે જ હાજર મેદનીએ હાકલા-પડકારા અને તાળીઓના ગડગડાટ સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું.

નવનીત બાલધિયાની હિંમતના વખાણ

ધારાસભ્યએ હુમલાનો ભોગ બનેલા નવનીત બાલધિયાની મક્કમતાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આટલો ત્રાસ સહન કરવા છતાં નવનીતભાઈ નમ્યા નથી, જે સાબિત કરે છે કે સત્ય હંમેશા અડીખમ રહે છે. તેમણે સમાજને ખાતરી આપી હતી કે તેઓ અને સમગ્ર કોળી સમાજ અન્યાય સામે નવનીતભાઈની પડખે ઊભો રહેશે.

સોશિયલ મીડિયા પર સમર્થનનું પૂર

હીરા સોલંકીના આ આક્રમક નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેમના સમર્થનમાં મેસેજો અને વીડિયો વાયરલ થયા છે. ખાસ કરીને યુવાનોમાં હીરા સોલંકીના આ સ્ટેન્ડને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધારાસભ્યએ યુવાનોને જાગૃત રહી અન્યાય સામે અવાજ ઉઠાવવા હાકલ કરી છે.