Annapurna Khodaldham Announced in Surat: સૌરાષ્ટ્રના કાગવડ સ્થિત પ્રસિદ્ધ ખોડલધામ બાદ હવે સુરતમાં પણ બીજા ખોડલધામના નિર્માણને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન સુરતમાં સત્તાવાર રીતે ‘અન્નપૂર્ણા ખોડલધામ’ બનાવવાની જાહેરાત આવી છે, આ ભવ્ય પ્રોજેક્ટના મુખ્ય સ્વપ્નદ્રષ્ટા તરીકે જાણીતા અગ્રણી મુકેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેઓ આ સંકુલના નિર્માણની મુખ્ય જવાબદારી સંભાળશે. તેમની સાથે પાટીદાર સમાજના જાણીતા અગ્રણી જયંતિ એકલારા પણ ખભેખભા મિલાવીને જોડાયા છે.
સમગ્ર ગ્રાઉન્ડ 'જય ખોડિયાર'ના નારાથી ગુંજી ઉઠ્યું
મોટા વરાછા ખાતે આયોજિત ભવ્ય શેરી ઓટલો નવરાત્રી મહોત્સવ દરમિયાન હજારો ખેલૈયાઓ અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક ઘોષણા કરવામાં આવી હતી. ગરબાના માહોલ વચ્ચે મંચ પરથી 'અન્નપૂર્ણા ખોડલધામ'ના નિર્માણની જાહેરાત થતાં જ સમગ્ર ગ્રાઉન્ડ 'જય ખોડિયાર'ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈ સમક્ષ ભાવિ સંકુલની એક વિશેષ ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી.આ ભવ્ય પ્રોજેક્ટના મુખ્ય સ્વપ્નદ્રષ્ટા તરીકે અગ્રણી મુકેશ પટેલની પસંદગી કરવામાં આવી છે, જેઓ આ સંકુલના નિર્માણની મુખ્ય કમાન સંભાળશે. તેમની સાથે સમાજના બીજા એક જાણીતા અગ્રણી જયંતિ એકલારા પણ આ ભગીરથ કાર્યમાં સક્રિયપણે જોડાયા છે.
મોટા વરાછા વિસ્તારમાં જમીનની વ્યવસ્થાની પ્રક્રિયા પ્રગતિમાં
પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાના જણાવ્યા અનુસાર, આ નવા ધાર્મિક સંકુલનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો અને સમાજના વડીલો તથા વયોવૃદ્ધોની સુવિધા માટે ઉત્તમ સેવાકીય કાર્યો કરવાનો છે. હાલ આ પ્રોજેક્ટ અંતર્ગત મોટા વરાછા વિસ્તારમાં જમીનની વ્યવસ્થાની પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે. હાલ સમગ્ર પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર થઈ રહી છે અને આગળની વિગતો પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

ભૂમિપૂજનને લગતી વધુ વિગતો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, અગાઉ ગત મે મહિનામાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે સુરતના અંત્રોલી વિસ્તારમાં જમીન સંપાદન અંગે વાત કરી હતી અને નવરાત્રિ આસપાસ ભૂમિપૂજન થવાના સંકેત આપ્યા હતા. હવે પાટીદાર અગ્રણીઓ મુકેશ પટેલ અને જયંતિ એકલારાના નેતૃત્વમાં વરાછા ખાતે 'અન્નપૂર્ણા ખોડલધામ'ના નામે પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત થતાં સુરતના ધાર્મિક ઇતિહાસમાં એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. આગામી દિવસોમાં આ સંકુલની જમીન અને ભૂમિપૂજનને લગતી વધુ વિગતો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
