Kinjal Dave News: લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ અને ત્યારબાદ જ્ઞાતિ બહાર લગ્નના નિર્ણયને પગલે સર્જાયેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. 14 ડિસેમ્બરે પાંચ પરગણા બ્રહ્મ સમાજ દ્વારા કિંજલ દવે અને તેના પરિવારના કરાયેલા સામાજિક બહિષ્કારના નિર્ણય સામે હવે સમાજમાં બે ફાંટા પડ્યા છે. આ વિવાદમાં હવે સુરત બ્રાહ્મણ સમાજના મહિલા આગેવાન અને જાણીતા એડવોકેટ પ્રતિભા દેસાઈએ કિંજલના સમર્થનમાં આવીને સમાજને આકરા સવાલો કર્યા છે.
પ્રતિભા દેસાઇનું સમર્થન
એડવોકેટ અને સામાજિક કાર્યકર પ્રતિભા દેસાઈએ કિંજલ દવેના બહિષ્કારના સમાચાર પર વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે, "કોઈ સમાજ કે તેની દીકરીએ કંઈ ખોટું કામ નથી કર્યું, તો પછી બહિષ્કાર શા માટે? કિંજલ દવેએ કોઈ વિધર્મી સાથે કે પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન નથી કર્યા. તેણે તો સમાજના રીત-રિવાજ મુજબ જ સગાઈ કરી હતી, પરંતુ તેની સાથે વિશ્વાસઘાત થયો હતો. કિંજલે પિતાની આબરૂ ખાતર ઘણું દુઃખ સહન કર્યું છે. જે આઘાત અને વિશ્વાસઘાતમાંથી તે બહાર આવી છે, તેના માટે તેને હિંમત આપવાની જરૂર છે, નહીં કે સામાજિક બહિષ્કારની."
બુદ્ધિજીવીઓનું સમર્થન
માત્ર પ્રતિભા દેસાઈ જ નહીં, પરંતુ ગુજરાતના અનેક નામાંકિત વ્યક્તિઓએ કિંજલ દવેના આ હિંમતભર્યા નિર્ણયને વધાવ્યો છે. લેખિકા કાજલ ઓઝા વૈદ્યે કહ્યું કે, કિંજલના વ્યક્તિત્વ અને તેની લડતને સમર્થન આપ્યું છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી મોનલ ગજ્જરે કિંજલની પડખે ઊભા રહીને નારી શક્તિનો પરિચય આપ્યો છે. સંગીત જગતમાંથી દર્શન ભટ્ટે પણ કિંજલના સમર્થનમાં સૂર પુરાવ્યો છે.
વિવાદની પૃષ્ઠભૂમિ
ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. આ સગાઈની સત્તાવાર જાહેરાત કિંજલે સોશિયલ મીડિયા પર કરી હતી. જોકે, અન્ય જ્ઞાતિમાં સગાઈ કરવાના મુદ્દે 14 ડિસેમ્બરે પાંચ પરગણા બ્રહ્મ સમાજે કડક વલણ અપનાવી તેનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.
સમાજને અપીલ
પ્રતિભા દેસાઈએ સમાજને અપીલ કરી છે કે કિંજલના નિર્ણયને હિંમતભર્યો ગણીને તેને વધાવવો જોઈએ. દીકરી જ્યારે પોતાની જિંદગીનો નવો અને સકારાત્મક નિર્ણય લેતી હોય ત્યારે જ્ઞાતિના બંધનોમાં તેને બાંધવાને બદલે તેને આશીર્વાદ આપવા જોઈએ. કિંજલ દવે દ્વારા મૌન તોડ્યા બાદ હવે સોશિયલ મીડિયા અને સામાજિક સ્તરે તેને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. આ કિસ્સો દર્શાવે છે કે આધુનિક સમયમાં બદલાતા સામાજિક પ્રવાહો અને રૂઢિચુસ્ત પરંપરાઓ વચ્ચે અત્યારે વૈચારિક ઘર્ષણ ચાલી રહ્યું છે.
