Surat News:સુરત-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા પીપોદરા ઓવરબ્રિજ પર સફાઈ કામગીરી ચાલી રહી હતી ત્યારે એક બેકાબૂ ટ્રકે ટક્કર મારતા 48 વર્ષીય સફાઈ કર્મચારીનું કરૂણ મોત નીપજ્યું છે. ટ્રક કામગીરીના વિસ્તારમાં ઘૂસી આવતાં અન્ય શ્રમિકોમાં નાસભાગ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં પાલોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો
ઘટનાની વિગતો મુજબ, સુરતના નેશનલ હાઈવે નંબર 48 પર પીપોદરા બ્રિજ પર આશરે 100 મીટરના વિસ્તારમાં લગભગ 12 જેટલા શ્રમિકો સફાઈની કામગીરીમાં જોડાયા હતા. વાહનચાલકો સાવચેતી રાખે અને શ્રમિકોની સલામતીની પૂરતી તકેદારીના ભાગરૂપે સ્થળ પર 15 જેટલા સેફ્ટી કોન અને મજબૂત બેરિકેટિંગ ગોઠવવામાં આવ્યા હતા. આ દરમિયાન 48 વર્ષીય કર્મચારી છત્રસિંહ પ્રતાપસિંહ ઝાલા હાથમાં લાલ ઝંડી લઈને હાઈવે પરથી પસાર થતાં વાહનચાલકોને સાવચેતીપૂર્વક માર્ગદર્શન આપી રહ્યા હતા અને વાહનોને ડાયવર્ટ કરી રહ્યા હતા.
તે જ સમયે હાઈવે પરથી પૂરઝડપે ધસી આવેલી ટ્રકના ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ બેકાબૂ ટ્રકે સલામતી માટે ગોઠવવામાં આવેલા બેરિકેટિંગને તોડી નાખ્યા હતા અને સીધી સફાઈ કામગીરી ચાલી રહી હતી તે સુરક્ષિત ઝોનમાં ઘૂસી ગઈ હતી. ટ્રકે ડ્યુટી બજાવી રહેલા છત્રસિંહ ઝાલાને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. અકસ્માતને પગલે કામગીરીના સ્થળે ભારે નાસભાગ મચી ગઈ હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બનાવની જાણ થતાં જ પાલોદ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
