કામરેજમાં લિફ્ટ જોવા ડોકિયું કર્યું ને ઉપરથી લિફ્ટ આવતા 18 વર્ષીય યુવાનનું માથું કચડાયું; લોહીલુહાણ હાલતમાં મોત

અકસ્માત બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રોનકને તાત્કાલિક દીનબંધુ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જોકે, ત્યાં હાજર ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 13 Jan 2026 02:29 PM (IST)Updated: Tue, 13 Jan 2026 02:29 PM (IST)
a-young-man-died-after-his-head-got-caught-between-an-elevator-and-a-wall-in-kamrej

Surat News: સુરતના કામરેજ તાલુકાના નવીપારડી વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં રવિવારે એક અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો હતો. માલસામાનની હેરફેર માટે વપરાતી લિફ્ટની અડફેટે આવી જતાં એક 18 વર્ષીય શ્રમિક યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતક યુવાનના પરિવાર અને સાથી શ્રમિકોમાં ભારે શોકની લાગણી ફરી વળી છે.

લિફ્ટ અને દીવાલ વચ્ચે માથું કચડાયું

મૂળ રાજસ્થાનના ઝાલોરનો વતની અને હાલ નવીપારડીની 'શ્રી રામ બુટા કટીંગ' કંપનીમાં મજૂરી કામ કરતો રોનક મંગેશભાઇ મેઘવાલ રવિવારે રુદ્ર ફેશનમાં કાપડના તાકા લેવા ગયો હતો. રોનકે પહેલા માળે ઉભા રહીને નીચે આવી રહેલી લિફ્ટ જોવા માટે માથું બહાર કાઢી ડોકિયું કર્યું હતું. આ દરમિયાન ઉપરથી પૂરપાટ ઝડપે આવી રહેલી લિફ્ટ રોનકના માથા સાથે ભટકાઈ હતી. અને લિફ્ટ અને દીવાલ વચ્ચે માથું ગંભીર રીતે કચડાતા રોનક લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો.

હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યો

અકસ્માત બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રોનકને તાત્કાલિક ખોલવડની દીનબંધુ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જોકે, ત્યાં હાજર ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો.