Surat: ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગના સહયોગથી સુરત હોર્સ સોસાયટી દ્વારા સુરતના અડાજણ કેબલ બ્રિજ રિવરફ્રન્ટ ખાતે '7મા તાપી અશ્વ શો-2026'ને કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીના હસ્તે ખુલ્લો મૂકાયો હતો.
ચાર દિવસીય અશ્વ શોમાં ટેન્ટ પેગિંગ, બેરલ રેસ, ગરો લેવો, સંગીત ખુરશી, હોર્સ ડાન્સની સ્પર્ધાઓ યોજાશે. સુરતના આ આંગણે અંદાજે 250 જેટલા ઉત્કૃષ્ટ અશ્વોના શૌર્ય અને સુંદરતા જોવા મળશે.
આ પ્રસંગે કૃષિ, પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, અશ્વ એ આપણા શૌર્ય અને શુભનું પ્રતીક છે, અને અશ્વો પ્રત્યેની લાગણી અજોડ હોય છે. આ અશ્વ શોનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય અશ્વ નસલોનું સંવર્ધન અને સંરક્ષણ કરવાનો છે. પશુપાલકોને પ્રોત્સાહન મળે અને નવી પેઢી આપણી ભવ્ય અશ્વ સંસ્કૃતિથી પરિચિત થાય તેવો આ શો ના માધ્યમથી અમારો પ્રયાસ છે.
ગુજરાતની અશ્વ સંસ્કૃતિના જતન માટે રાજ્ય સરકાર પ્રયાસરત એમ જણાવી ઉમેર્યું કે, ગુજરાતમાં અશ્વ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે આ હોર્સ શોની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્રમોદીએ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કરાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કાઠિયાવાડી, કચ્છી, રાજસ્થાની અને સિંધી જેવી વિવિધ બ્રીડના જતન માટે હોર્સ સોસાયટીઓને સંપૂર્ણ સહયોગ આપી રહી છે.
રાજ્ય સરકાર દર વર્ષે રાજ્યમાં ત્રણ હોર્સ શોનું આયોજન કરશે, આ માટે આગામી બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. સુરત વિસ્તારમાં ખાસ કરીને સિંધી નસલના 600થી વધુ ઘોડાઓ છે. આ સાથે વિવિધ નસલના સંવર્ધન માટે રાજ્ય સરકાર અને હોર્સ સોસાયટીઓ સાથે મળીને નવા ‘બ્રીડિંગ સેન્ટરો’ સ્થાપવા માટે પણ ઉત્સુક છે એમ ઉમેર્યું હતું.
વ્યક્તિગત અશ્વપાલક હોય કે સોસાયટી; અશ્વોની રખેવાળી અને સેવા કરતા તમામ અશ્વપ્રેમીઓને મંત્રીએ ખાતરી આપી હતી કે, પશુપાલન વિભાગ હંમેશા તેમની પડખે ઉભો છે અશ્વપાલનના શોખ અને સંરક્ષણને પ્રોત્સાહિત કરીશું. મંત્રીશ્રીએ અશ્વપાલકોને નવા સૂચનો સાથે ખુલ્લા મને સરકાર પાસે આવવા નિમંત્રણ પાઠવ્યું હતું.
ભારતીય મૂળની વિશિષ્ટ નસલોના અશ્વ આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં આયોજિત અશ્વ શોમાં મુખ્યત્વે મારવાડી, કાઠિયાવાડી અને સિંધી નસલના અશ્વો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યોમાંથી પણ જાતવાન અશ્વોનો તેમજ અશ્વ પ્રેમીઓનો મેળાવડો જામ્યો છે. અશ્વોની રેવાલ ચાલ, રૂપ અને શારીરિક સૌષ્ઠવને (બ્રિડ શો) આધારે વિવિધ કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાશે.
