Railway News: ગાંધીધામ-આદિપુર વચ્ચે ફોરટ્રેક (ચૌહરિકરણ) પ્રોજેક્ટ માટે મેગા બ્લોક, 13 ફેબ્રુઆરી સુધી ટ્રેન વ્યવહાર ખોરવાયો

ગાંધીધામ-આદિપુર સેક્શનમાં ચૌહરીકરણ (Quadrupling) એટલે કે ત્રીજી અને ચોથી રેલવે લાઇન નાખવાની કામગીરી અંતિમ તબક્કામાં છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 10 Feb 2026 06:56 PM (IST)Updated: Tue, 10 Feb 2026 06:56 PM (IST)
mega-block-for-quadruple-project-between-gandhidham-adipur-train-services-disrupted-till-february-13

Railway News: ફેબ્રુઆરી 2026 પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા કચ્છ વિસ્તારના રેલવે નેટવર્કને આધુનિક અને વેગવંતુ બનાવવા માટે ગાંધીધામ-આદિપુર સેક્શનમાં ચૌહરીકરણ (Quadrupling) એટલે કે ત્રીજી અને ચોથી રેલવે લાઇન નાખવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. આ પરિયોજનાના કમીશનીંગ અને સ્ટેશન રિમોડેલિંગ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે આગામી 13 ફેબ્રુઆરી 2026 સુધી રેલવે વ્યવહારમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

શા માટે લેવાયો છે બ્લોક?
ગાંધીધામ કેબિન અને આદિપુર સ્ટેશનો વચ્ચે અંદાજે 10.69 કિમીના અંતરમાં નવી લાઈનોના જોડાણ અને ટેકનિકલ ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે. 9 અને 10 ફેબ્રુઆરીના રોજ રેલવે સેફ્ટી કમિશનર (CRS) દ્વારા નિરીક્ષણ અને 120 કિમી/કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ટ્રેનોના ક્રોસિંગમાં સમય ઘટશે અને મુસાફરીમાં અંદાજે 20 થી 25 મિનિટનો બચાવ થશે.

પૂર્ણરૂપે રદ કરવામાં આવેલી ટ્રેનો

મુસાફરોની જાણકારી માટે નીચે મુજબની ટ્રેનો નિર્ધારિત તારીખ સુધી દોડશે નહીં:

  • પાલનપુર-ગાંધીધામ-પાલનપુર (19405/06): 13 ફેબ્રુઆરી સુધી દરરોજ રદ.
  • બાન્દ્રા ટર્મિનસ-ભુજ-બાન્દ્રા એક્સપ્રેસ (12965/60): 9 અને 10 ફેબ્રુઆરીએ રદ.
  • બાન્દ્રા-ગાંધીધામ સ્પેશિયલ (09415/16): 12 ફેબ્રુઆરીએ રદ.
  • ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ (22952): 12 ફેબ્રુઆરીએ રદ.
  • બાન્દ્રા-ગાંધીધામ એક્સપ્રેસ (22951): 13 ફેબ્રુઆરીએ રદ.
  • ભુજ-બાન્દ્રા સ્પેશિયલ (09010/11/12): 9, 10 અને 11 ફેબ્રુઆરીએ રદ.

આંશિક રદ (Short Terminate) ટ્રેનો

કેટલીક ટ્રેનો જે-તે સ્ટેશન સુધી જશે નહીં અને અધવચ્ચેથી પરત ફરશે:

  • નમો ભારત એક્સપ્રેસ (94801/02): 11 ફેબ્રુઆરી સુધી ગાંધીધામ-ભુજ વચ્ચે રદ અને 12-13 ફેબ્રુઆરીએ ધ્રાંગધ્રા-ભુજ વચ્ચે રદ રહેશે.
  • બરેલી-ભુજ એક્સપ્રેસ (14321/11): 10-11 ફેબ્રુઆરીએ સામાખ્યાલી અને ભુજ વચ્ચે રદ.
  • કચ્છ એક્સપ્રેસ (22955/56): 9-10 ફેબ્રુઆરીએ ગાંધીધામ અને ભુજ વચ્ચે રદ.
  • પુણે-ભુજ (11091/92): 9 અને 11 ફેબ્રુઆરીએ ભુજ-ગાંધીધામ વચ્ચે રદ.
  • ભગત કી કોઠી-ગાંધીધામ (22483/84): 10 થી 13 ફેબ્રુઆરી દરમિયાન ભીલડી અને ગાંધીધામ વચ્ચે રદ.

માર્ગ પરિવર્તિત (Diverted) ટ્રેનો

કામગીરીને કારણે કેટલીક મહત્વની ટ્રેનો ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં પરંતુ આદિપુર-ગાંધીધામ કેબિન-ભીમાસર થઈને ડાયરેક્ટ પસાર થશે:

  • સયાજી નગરી એક્સપ્રેસ (20907/08): 9 થી 12 ફેબ્રુઆરી દરમિયાન વાયા ભીમાસર ડાયવર્ટ કરાઈ છે.
  • કચ્છ એક્સપ્રેસ (22955/56): 9 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીધામ સ્ટેશન સ્કીપ કરી પરિવર્તિત માર્ગે દોડશે.
  • દિલ્હી સરાય રોહિલ્લા-ભુજ (20984): 11 ફેબ્રુઆરીના રોજ પરિવર્તિત માર્ગે ચાલશે.

મુસાફરો માટે અપીલ
રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ મુસાફરીનું આયોજન કરતાં પહેલાં રેલવે હેલ્પલાઇન 139 અથવા NTES એપ દ્વારા ટ્રેનનું સ્ટેટસ ચોક્કસ ચેક કરી લે. 14 ફેબ્રુઆરીથી રેલવે વ્યવહાર ધીમે-ધીમે પૂર્વવત થવાની શક્યતા છે.