Kutch: કચ્છ જિલ્લાના ભચાઉના માંડવી વાસમાં રહેતા જૈન વૃદ્ધા ગત શુક્રવારે તેમના ઘરેથી ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયા હતા. જે બાદ ગઈકાલે રાતે તેમની લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરતાં ક્રાઈમ પેટ્રોલને ટક્કર મારે તેવી મર્ડર મિસ્ટ્રીનો ખુલાસો થવા પામ્યો છે. આ મામલે પોલીસે પ્રેમી પંખીડાને ઝડપી પાડીને જેલના હવાલે કર્યા છે.
શું છે સમગ્ર મામલો?
ગત શુક્રવારે ભચાઉના માંડવી વાસમાં એકલવાયું જીવન જીવતા જેઠીબેન ગાલા ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયા હતા. આ મામલે જેઠીબેનની પાડોશમાં રહેતા ધરમશીએ પોલીસને જાણ કરતા તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ તપાસમાં CCTV ફૂટેજમાં જેઠીબેનના ઘર નજીક એક અજાણ્યો ઈસમ બેગ ઢસડીને લઈ જતો જોવા મળ્યો હતો. આથી પોલીસે CCTV ફૂટેજના આધારે આ શંકાસ્પદ ઈસમની શોધખોળ હાથ ધરી હતી.
જો કે ગઈકાલે ભચાઉની એક બંધ દુકાનમાં સૂટકેશમાંથી જેઠીબેનની લાશ મળી આવી હતી. જેથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં રાજુ છાંગા અને રાધિકા છાંગા નામના યુવક-યુવતીની ધરપકડ કરી હતી.
એકસાથે રહેવા માટે પ્રેમીયુગલે વૃદ્ધાને ઉતારી મોતને ઘાટ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, વોંધડા ગામના રાજુ અને રાધિકા કૌટુમ્બિક સગા થાય છે અને બન્ને છેલ્લા ઘણા સમયથી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. જો તેઓ ઘરેથી ભાગી જાય, તો પરિવાર તેમને પકડી પાડે. આથી આ પ્રેમી યુગલે યુવતી (રાધિકા) મરી જાય, તેવું સાબિત કરવા માટે આખું કાવતરૂ ઘડ્યું હતુ.
આ માટે એકલવાયું જીવન જીવતા જેઠીબેન આસાન શિકાર હતા. આથી તેમની હત્યા કરીને લાશ બાળીને તેને યુવતીની લાશ તરીકે ખપાવીને ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે પોલીસના હાથે જેઠીબેનની લાશ આવી જતાં તેમના આખા પ્લાન પર પાણી ફરી વળ્યું.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
