વિજયનગરની પ્રજ્ઞાચક્ષુ દીકરી તેજલ ડામોરનું ગજબનું મનોબળ! પેરા એશિયન ગેમ્સ-2026માં ભારતીય ટીમનું કરશે પ્રતિનિધિત્વ

સાબરકાંઠાના વિજયનગરની પ્રજ્ઞાચક્ષુ આદિજાતિ દીકરી તેજલ ડામોર પેરા એશિયન ગેમ્સ-2026માં 400 મીટર દોડની T-12 કેટેગરીમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે. જાણો તેની પ્રેરણાદાયી સફર.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sat, 10 Oct 2026 02:46 AM (IST)Updated: Sat, 10 Oct 2026 02:46 AM (IST)
tejal-damor-to-represent-india-at-para-asian-games-2026

Para Asian Games 2026: સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિજયનગર તાલુકાની આદિજાતિ વિસ્તારની પ્રજ્ઞાચક્ષુ દીકરી તેજલ ડામોરે પોતાની મહેનત, સંઘર્ષ અને દૃઢ મનોબળના બળે રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વર્ષ 2026માં જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાનારી પેરા એશિયન ગેમ્સ-2026 માટે તેજલ ડામોરની 400 મીટર દોડની T-12 બ્લાઇન્ડ કેટેગરીમાં પસંદગી થઈ છે. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં તેજલ ભારતીય પેરા એથ્લેટિક્સ ટીમનું પ્રતિનિધિત્વ કરીને દેશનું ગૌરવ વધારશે.

સામાન્ય ગ્રામીણ પૃષ્ઠભૂમિથી આંતરરાષ્ટ્રીય મંચ સુધીની પ્રેરણાદાયી સફર

સામાન્ય ગ્રામીણ પૃષ્ઠભૂમિમાંથી આવતી તેજલ ડામોરે પોતાની સતત મહેનત, નિયમિત અભ્યાસ અને અડગ આત્મવિશ્વાસથી આ સિદ્ધિ મેળવીને સાબિત કર્યું છે કે મક્કમ સંકલ્પ અને સખત પરિશ્રમથી કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. તેજલની આ સફળતા માત્ર તેના પરિવાર અને વિજયનગર તાલુકા માટે જ નહીં, પરંતુ સમગ્ર સાબરકાંઠા જિલ્લા, ગુજરાત રાજ્ય તથા દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.

દિવ્યાંગ ખેલાડીઓ માટે ઉત્તમ ઉદાહરણ અને ગર્વની ક્ષણ

તેજલની આ સિદ્ધિ દિવ્યાંગ વ્યક્તિઓમાં રહેલી ક્ષમતા, પ્રતિભા અને આત્મવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મેળવીને તેજલે સાબિત કર્યું છે કે દૃઢ નિશ્ચય અને સતત પ્રયત્નોથી સફળતાનાં શિખરો સર કરી શકાય છે. આગામી પેરા એશિયન ગેમ્સમાં તેજલ ઉત્કૃષ્ટ દેખાવ કરીને દેશ માટે ચંદ્રક જીતે અને ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ઉજ્જવળ કરે તેવી સૌ કોઈ આશા વ્યક્ત કરી રહ્યા છે.

સ્થાનિક અગ્રણીઓ અને સંસ્થાઓ દ્વારા ઉષ્માભર્યા અભિનંદન

આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા-ઈડર જિલ્લા શાખાના પ્રમુખ, મંત્રીતથા સંસ્થાના હોદ્દેદારો સહિતના અગ્રણીઓએ તેજલને હાર્દિક અભિનંદન પાઠવીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે. તેજલની આ સિદ્ધિથી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં હર્ષ અને ગૌરવની લાગણી વ્યાપી છે.