Sabarkantha: પ્રાંતિજમાં ભાભીએ જ રૂ. 2 લાખની સોપારી આપી દિયરને ખતમ કરાવ્યો, કારમાં જ ગળે ટૂંપો આપી પતાવી દીધો

લગ્ન માટે છોકરી બતાવવાનું કહીને મૃતકને કારમાં લઈ ગયા અને રસ્તામાં ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશ કચરાના ઢગલામાં ફેંકી ફરાર થઈ ગયા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Feb 2026 10:50 PM (IST)Updated: Thu, 05 Feb 2026 10:50 PM (IST)
sabarkantha-crime-news-youth-murdered-in-prantij-body-dumped-near-road
HIGHLIGHTS
  • દિયરને ભાભીના ગામના અન્ય યુવક સાથે અનૈતિક સબંધો હોવાની શંકા હતી
  • ભાભીએ પોતાના કથિત પ્રેમીને રૂ. 2 લાખમાં દિયરનો કાંટો કાઢી નાંખવા કહ્યું હતુ

Sabarkantha: ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઠંડા કલેજે યુવકની હત્યા કરીને તેની લાશને સગેવગે કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં મૃતકની ભાભી અને તેના કથિત પ્રેમી સહિત 4 આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

હકીકતમાં આજે વહેલી સવારે પ્રાંતિજ તાલુકાના કાલીપુરાથી લવારી જવાના માર્ગ પર એક યુવકની લાશ મળી આવી હતી. જેના પગલે ઘટના સ્થળે પહોંચેલી પોલીસની તપાસમાં મૃતકની ઓળખ વિષ્ણુસિંહ મકવાણા (રહે. સદોલિયા ગામ, પ્રાંતિજ) તરીકે થઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વિષ્ણુભાઈની હત્યા ગળે ટૂંપો આપીને કરવામાં આવી હોવાનું ખુલ્યું હતુ.

મૃતકના ભાઈએ પોતાની જ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
આ મામલે વિષ્ણુભાઈના મોટાભાઈ ગણપતસિંહે પ્રાંતિજ પોલીસ મથકમાં પોતાની પત્ની કોકિલા અને ગામમાં રહેતા દોલતસિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, મૃતક વિષ્ણુસિંહને પોતાની ભાભી કોકિલા અને દોલતસિંહ મકવાણા વચ્ચે અનૈતિક સબંધો હોવાની આશંકા હતી. જેના પગલે દિયર-ભાભી વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી.

લગ્ન માટે છોકરી બતાવવાનું કહીને કારમાં જ ગળે ટૂંપો આપી દીધો
દિયરના ત્રાસથી કંટાળીને કોકિલાએ દોલતસિંહને વિષ્ણુનો કાંટો કાઢી નાંખવા માટે રૂ. 2 લાખમાં સોપારી આપવાની વાત કરી હતી. જેના પગલે દોલતસિંહે સદોલિયાના વિક્રમસિંહ મકવાણા અને માણસાના અનોડિયા ગામના રમેશસિંહ રાઠોડનો સંપર્ક કર્યો હતો.

હત્યાના દિવસે વિક્રમસિંહ અને રમેશસિંહ લગ્ન માટે યુવતી બતાવવાનું કહીને વિષ્ણુસિંહને પોતાની ઈકો કારમાં લઈ ગયા હતા. આ દરમિયાન રસ્તામાં તેમણે વિષ્ણુસિંહને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ વિષ્ણુસિંહની લાશને કાલીપુરા જવાના રોડ પર જેટકો કંપની નજીક કચરાના ઢગલામાં ફેંકીને ફરાર થઈ ગયા હતા.

હાલ તો પ્રાંતિજ પોલીસે આ મામલે ગણપતસિંહની ફરિયાદના આધારે તેની પત્ની કોકિલા અને તેના કથિત પ્રેમી સહિત કુલ 4 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.