Sabarkantha Child Murder: સાબરકાંઠા જિલ્લામાં આવેલા ઈડર તાલુકાના સમલાપુરમાં એક 8 વર્ષના બાળકની ઘાતકી હત્યા કરી દીધાની આઘાતજનક ઘટના સામે આવી છે. રવિવારે બપોરે પોણા બાર વાગ્ચાના અરસામાં 8 વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો. પરિવારે શોધખોળ કરી હોવા છતાં બાળક મળ્યું નહોતું,આથી પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે બાળકના પરિવારની બાજુમાં રહેતા 20 વર્ષીય યુવકની પુછપરછ કરતાં તેણે ચોંકાવનારી કબૂલાત કરી હતી.
પાડોશી યુવક વિરુદ્ધ ફરિયાદ
મળતી માહિતી મુજબ, સમલાપુર ગામના રહેવાસી અરવિંદજી લાલાજી ઠાકોરનો આઠ વર્ષનો દિકરો કેવલ ઠાકોર ગઈ 23 ઓગસ્ટના રોજ ઘરેથી બપોરે 11.45 વાગ્યાની આસપાસ ગુમ થઈ ગયો હતો. ઠાકોર પરિવાર દ્વારા બાળકની ઘણી શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ બાળકનો કોઈ પતો નહોતો લાગ્યો અંતે પરિવારે ઈડર પોલીસ સ્ટેશનમાં બાળકને ગુમ કરી દીધાની આશંકા સાથે પિતા અરવિંદજી ઠાકોરે પાડોશી સાવનજી અળખાજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસમાં થયો ખુલાસો
ફરિયાદના આધારે, ઇડર પોલીસે 20 વર્ષીય યુવક સાવન ઠાકોરની અટકાયત કરીને આકરી પૂછપરછ કરી હતી, આથી યુવક ભાંગી પડ્યો હતો અને બાળકની હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો કે, તેણે જ બાળકનું અપહરણ કરીને ગળુ દબાવીને હત્યા કરીને મૃતદેહ કૂવામાં ફેંકી દીધો. હત્યા પાછળનું કારણ જાણવા પોલીસે વધુ પૂછપરછ કરી તો તેણે કબૂલ્યું કે, બાળકના પિતા અરવિંદજીના ચાર પ્લોટ પાકી વેચાણ બાબતે અગાઉ પણ ઘણીવાર ઘર્ષણ થઈ ચૂક્યુ છે. આરોપીએ આક્ષેપ કર્યો કે, બાળકના માતા-પિતાએ આરોપીની માતા પર પ્લોટની અદાવતમાં મોહિની કાળો જાદુ કરીને હત્યા કરીને કૂવામાં ફેંકી દીધી હતી.
પોલીસે બાળકનો મૃતદેહ કબ્જે ક્યો
ઇડર પોલીસે આરોપી યુવકને સાથે રાખીને બાળકનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢ્યો હતો. ઉપરાત ગ્રામજનોના જણાવ્યા મુજબ, અગાઉ પણ અરવિંદજી ઠાકોરના બે પુત્રો પૈકીના એક મોટા પુત્રનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તો ગ્રામજનોની આશંકા છે કે, પ્લોટ વેચાણની અદાવતમાં યુવકે જ મૃતક બાળકના મોટાભાઈની હત્યા તો નથી કરી. હાલ સમદ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી સાવનજી ઠાકોર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
