Sabar Dairy Violence: સાબરડેરી ખાતે દૂધના ભાવ મુદ્દે થયેલી હિંસામાં પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ સહિત 74 લોકો સામે નામજોગ અને 1000ના ટોળા સામે FIR નોંધાઈ છે. જશુ પટેલ પર સોશિયલ મીડિયા દ્વારા લોકોને ઉશ્કેરવાનો આરોપ છે, જ્યારે પોલીસે 47 આરોપીઓની અટકાયત કરી છે. ગઇકાલે સાબરડેરી ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના પગલે પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા હતા. આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
જશુ પટેલ સહિત 74 લોકો સામે નામજોગ ફરિયાદ
હિંમતનગર ડિવિઝનના DySP એ.કે.પટેલના જણાવ્યા અનુસાર, સાબરડેરી પાસે ભાવફેર બાબતે એક ટોળું ગેરકાયદેસર રીતે ભેગું થયું હતું અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યું હતું. ટોળાએ સાબરડેરીના ગેટ, ગ્રીલ અને પોલીસ વાહનોને નુકશાન પહોંચાડ્યું હતું, તેમજ પથ્થરમારો કરીને નેશનલ હાઇવે પર વાહનો રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બળપ્રયોગ કરીને ટોળાને વિખેરી નાખ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બનાવમાં અશોકભાઇ નામના વ્યક્તિનું મોત થયું છે, પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તેમના શરીર પર કોઈ બાહ્ય ઈજાના નિશાન નથી. હિંમતનગર એ ડિવિઝન પોલીસસ્ટેશનમાં 74 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ અને 900-1000 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 47 આરોપીઓની અટકાયત કરાઈ છે. ઘટના દરમિયાન 50થી વધુ ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા અને 4થી વધુ વાહનોને નુકસાન થયું હતું. FIRમાં પૂર્વ MLA અને વાઇસ ચેરમેનનું નામ પણ સામેલ છે.
પીઆઇ દ્વારા નોંધાવવામાં આવી ફરિયાદ
પી.એમ. ચૌધરીએ નોંધાવેલી ફરિયાદમાં બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ શીવાભાઈ પટેલ અને ધર્મેન્દ્રસિંહ નટવરસિંહ જેતાવત પર લોકોને ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, જશુભાઈ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જેતાવતે સોશિયલ મીડિયા પર એવા મેસેજ ફેલાવ્યા હતા કે સાબરડેરી દ્વારા 11 જુલાઈના રોજ રિટેન્શન મનીની ચુકવણી કરવામાં આવી હોવા છતાં, ડેરીના ચેરમેન અને ડિરેક્ટરોએ ઓછો નફો ચૂકવી પશુપાલકો સાથે છેતરપિંડી કરી છે. આ મેસેજોમાં સત્તાધીશો મનમાની કરી રહ્યા હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. તેમજ એક થઇને અવાજ ઉઠાવવા તથા 14 જુલાઈના રોજ સાબરડેરી ખાતે ભેગા થવા ઉશ્કેરવામાં આવ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક સાબરડેરી ખાતે દૂધના પ્રતિ કિલોફેટે વાર્ષિક ભાવફેર મુદ્દે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પશુપાલકોએ પોલીસના બેરિકેડ્સ તોડી ડેરીમાં ઘૂસ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો. સ્થિતિ વણસી જતાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે 70 જેટલા ટિયર ગેસના શેલ છોડ્યા હતા. આ બનાવમાં અમુક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. પશુપાલકો દ્વારા અમદાવાદ-ઉદયપુર હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
