સાબર ડેરી અને સાબરકાંઠા સહકારી બેંકની ચૂંટણી મોકૂફ: ક્યારે જાહેર થશે ચૂંટણીની નવી તારીખ?

આ બંને સંસ્થામાં આગામી 2.5 વર્ષની ટર્મ માટે નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની પસંદગી કરવા ચૂંટણી યોજાવાની હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 05 Nov 2026 10:54 PM (IST)Updated: Thu, 05 Nov 2026 10:54 PM (IST)
sabar-dairy-and-sabarkantha-district-cooperative-bank-election-postponed

Sabar Dairy and District Cooperative Bank Election: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો ખેડૂતો તથા પશુપાલકો સાથે સીધી સંકળાયેલી 2 મહત્વપૂર્ણ સહકારી સંસ્થા સાબર ડેરી અને સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેન પદની ચૂંટણી મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે બંને સહકારી સંસ્થાઓની ચૂંટણી માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે, જે દિવાળી બાદ યોજાય તેવી શક્યતા છે.

આ બંને સંસ્થાઓમાં આગામી 2.5 વર્ષની ટર્મ માટે નવા હોદ્દેદારોની પસંદગી કરવા ચૂંટણી યોજાવાની હતી, જેને લઈને સમગ્ર સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી. જોકે, ચૂંટણીના ગણતરીના કલાકો પહેલાં જ અચાનક ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવતા રાજકીય અને સહકારી વર્તુળોમાં ગરમાવો આવ્યો છે અને અનેક પ્રકારના તર્ક-વિતર્ક શરૂ થયા છે.

આ બંને મોભાદાર સંસ્થાઓના નવા હોદ્દેદારોની પસંદગી માટે પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. રાજકીય અને સહકારી સ્તરે તૈયારીઓ પૂર્ણતાના આરે હતી, ત્યારે જ અણધાર્યો નિર્ણય સામે આવ્યો છે. બીજી તરફ, ચૂંટણી મોકૂફ રાખવા પાછળનું સત્તાવાર કારણ હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, જેના કારણે હાલ વિવિધ અટકળો વહેતી થઈ છે.

અહેવાલો મુજબ, હવે બંને સહકારી સંસ્થાઓની ચૂંટણી માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે, અને દિવાળીના તહેવારો બાદ આ ચૂંટણી યોજાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવી તારીખ જાહેર થયા બાદ જ સાબરડેરી અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના નવા ચેરમેન તથા વાઇસ ચેરમેન કોણ બનશે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે.