Sabar Dairy Election 2026: સાબરકાંઠાની અગ્રણી સહકારી સંસ્થા સાબર ડેરીમાં આગામી 6 નવેમ્બરના રોજ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીનું આયોજન થવાનું છે. જોકે, ચૂંટણીના થોડા દિવસ પહેલાં જ 16માંથી 9 ડિરેક્ટરો ગુમ થયાં હોવાની ચર્ચાઓએ સહકારી રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. જોકે ચર્ચાઓએ વધારે જોર પકડતાં પ્રદેશ ભાજપે સાગર ડેરીના તમામ ડિરેક્ટરો અને સંગઠનના મહત્વના હોદ્દેદારોને તાત્કાલિક ગાંધીનગર હાજર થવાનો આદેશ આપ્યો છે.
ચેરમેન પદના દાવેદાર વિપુલ પટેલનો મોટો દાવો
સાબર ડેરીના ચેરમેન પદના દાવેદાર વિપુલ પટેલ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે કે, તેમને 6 ચૌધરી પટેલ અને 4 યુવા ડિરેક્ટરો મળીને કુલ 9 ડિરેક્ટરોનું સમર્થન પ્રાપ્ત છે. 9 ડિરેક્ટરો દ્વારા વિપુલ પટેલની તરફેણમાં એફિડેવિટ કરી હોવાના અહેવાલો મળતાં ભાજપ હાઈકમાન્ડ હરકતમાં આવ્યુ છે. વિપુલ પટેલે જણાવ્યું કે, કોઇ પણ ડિરેક્ટર ગાયબ થયા નથી. અને પક્ષ જે આદેશ કરશે. તે જ માન્ય રહેશે.
એફિડેવિટ બૂમરેંગ સાબિત થવાની શક્યતા
સહકારી રાજકારણના વિશ્લેષકોના મત મુજબ, હાલ સેન્સ પ્રોસેસની કામગીરી પુરી થઈ ગઈ છે. જોકે, મેન્ડેટ જાહેર કરવાનું બાકી છે. ત્યારે એફિડેવિટ દ્વારા પ્રદેશ ભાજપ પર દબાણ લાવવાના પ્રયાસને મોવડીમંડળ દ્વારા ગંભીરતાપૂર્વક લઈ શકાય છે. જોકે, આ સમર્થનપત્ર બૂમરેંગ સાબિત થાય તો નવાઈ નહી, જો.16માથી 11 ડિરેક્ટરો બળવો કરેતો ડેરીમાં વહીવટદાર મૂકવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
વિપુલ પટેલના સમર્થનમાં કયા 9 ડિરેક્ટરો?
જે 9 ડિરેક્ટરોએ વિપુલ પટેલને ટેકો આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- ઋતુરાજ પટેલ
- રામજીભાઈ પટેલ
- કાન્તીભાઈ પટેલ (ભિલોડા)
- કેતન પટેલ
- સચિન પટેલ
- શામળભાઈ પટેલ (મોડાસા)
- જેન્તીભાઈ પટેલ
- કાન્તીભાઈ પટેલ (ધનસુરા)
- સુભાષભાઈ પટેલ
