Kamdhenu Veterinary College: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા અને છેવાડાના માનવીની સુખાકારી માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેના પરિણામ સ્વરૂપે, રાજ્યના વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે વધુ એક નવી સુવિધાની ભેટ પ્રદાન કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં હિંમતનગર ખાતે નવી પશુ ચિકિત્સા અને પશુપાલન કોલેજ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2025-26થી આ કૉલેજમાં 80 સીટ પર પ્રવેશની પ્રક્રિયા આગામી મહિનાથી શરૂ થશે.
હિંમતનગરમાં કામધેનુ વેટરનરી કોલેજ શરૂ
કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત હિંમતનગરમાં નવી કામધેનુ વેટરનરી કોલેજ શરૂ કરવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. આ બાબતે વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (VCI) દ્વારા નિરીક્ષણ અને યોગ્ય સમીક્ષા બાદ આ વર્ષથી આ કોલેજ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
કોલેજ પ્રવેશ અને કોર્સ વિશે જાણો
વેટરનરી ચિકિત્સાના અભ્યાસ માટે આણંદ, નવસારી, જુનાગઢ અને દાંતીવાડા બાદ રાજ્યમાં આ પાંચમી કૉલેજ છે. ધોરણ 12 પાસ કર્યા બાદ નીટ પરીક્ષાના આધારે આ કોલેજમાં પ્રવેશ મળશે. આ કૉલેજમાં વિદ્યાર્થીઓ બેચલર ઓફ વેટરનરી સાયન્સ (BVSc) અને એનિમલ હસબન્ડરી ડિગ્રી કોર્સનો અભ્યાસ કરી શકશે. અભ્યાસક્રમ શરૂ કરવા માટે પૂરતા સ્ટાફની નિમણુંક પૂર્ણ થઇ ચૂકી છે જેમાં 01 પ્રિન્સિપાલ, 04 પ્રોફેસર, 07 એસોસિએટ પ્રોફેસર, 34 આસિસ્ટન્ટ પ્રોફેસર અને 23 નોન ટીચિંગ સ્ટાફનો સમાવેશ થાય છે.
અત્યાધુનિક કેમ્પસ અને ઓછી ફીમાં વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સુવિધા
આ કોલેજ શરૂ થવાથી હવે રાજ્યના વિદ્યાર્થીઓને વધુ એક સારી કોલેજમાં અભ્યાસ કરવાની તક મળશે. આ કોલેજ નું કેમ્પસ અત્યાધુનિક સુવિધાથી સજ્જ છે. વિદ્યાર્થીઓ માટે સરકારી ધોરણ અનુસાર ઓછી ફી માં ઉચ્ચ ગુણવત્તાયુક્ત અભ્યાસ સાથે રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં પશુ આરોગ્ય મેળાઓની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત દેશનું એવું રાજ્ય છે જ્યાં પશુધન માટે હેલ્થ કાર્ડ, પશુ આરોગ્ય મેળા અને પશુઓના મોતીયાના ઓપરેશનની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે. આ અભિયાનને આગળ લઇ જવામાં આ કોલેજ આગામી સમયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
