શું દૂષિત પાણીથી ફેલાયો કમળો? ઇડરના બડોલીમાં 13 બાળકોની તબિયત લથડતાં આરોગ્ય તંત્ર એલર્ટ

ઇડરના બડોલીમાં 13 બાળકોમાં કમળાના લક્ષણો અને પોઝિટિવ રિપોર્ટ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. દૂષિત પાણીથી બીમારી ફેલાઈ હોવાની આશંકા વચ્ચે પાણીના સેમ્પલ લેવાયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 27 Sep 2026 09:53 AM (IST)Updated: Sun, 27 Sep 2026 09:53 AM (IST)
idars-badoli-13-children-jaundice-contaminated-water-health-department-alert

Sabarkantha News: સાબરકાંઠાના ઇડર તાલુકામાં આવેલા બડોલીમાં એક સાથે 13 બાળકોની તબિયત લથડતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ માહિતી મળતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. હાલ તમામ 13 બાળકોને સારવાર કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે.

13 બાળકોની તબિયત લથડી ગઈ

મળતી માહિતી મુજબ, બડોલી સ્થિત ચામુંડાનગર વિસ્તારમાં 13 બાળકોમાં કમળાના લક્ષણો જોવા મળ્યા હતા. અચાનક બાળકોની તબિયત લથડતાં આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. શરુઆતમાં 3 બાળકોની તબિયત બિમાર જણાતાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બાળકોમાં કમળાના ચિહ્નો જણાતાં આરોગ્ય વિભાગને જાણ કરાઈ હતી. તેના આધારે ટીમે ઘરે ઘરે જઈને બાળકોના સેમ્પલ લીધા.

લેબ ટેસ્ટમાં 13 બાળકોના પોઝિટિવ રિપોર્ટ

આયુષ મેડિકલ ઓફિસર ભાવેશ પટેલના જણાવ્યા પ્રમાણે, લેબ ટેસ્ટ દરમિયાન કુલ 13 બાળકોના રિપોર્ટ કમળા માટે પોઝિટિવ આવ્યા છે. જ્યારે 3 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. કમળાના લક્ષણો ધરાવતાં બાળકોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી.જે બાદ વધુ ગંભીર તપાસ અને યોગ્ય સારવાર અર્થે ઈડરની સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે. હાલમા કેટલાક બાળકો ઇડરની સિવિલ હોસ્પિટલ અને અન્ય બાળકો સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ છે.

દૂષિત પાણીથી બિમાર થયાની આશંકા

એક સાથે 13 બાળકોમાં કમળાના લક્ષણો જણાતાં તાત્કાલિક તાલુકા હેલ્થ ઓફિસર સહિતની વિવિધ આરોગ્ય ટીમો ચામુંડાનગર વિસ્તારમાં પહોંચી ગઈ હતી. આરોગ્ય ટીમો દ્વારા ઘેર ઘેર જઈને સર્વે અને સેમ્પલિંગ જેવી કામગીરી હાથ ધરાઈ હતી. જોકે, બાળકો જે કૂવાનું પાણી પીવા માટે વપરાશમાં લેતાં હતા. તેના લીધે બીમારી ફેલાઈ હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. જોકે, આરોગ્ય ટીમે પાણીના સેમ્પલ લઈને લેબ ટેસ્ટિંગ માટે મોકલાવ્યા છે.