Himatnagar Accident: હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે 48 પાસે આવેલા સ્ટારસિટી ઓવરબ્રિજ પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હત. રોડ પરના ખાડાને લીધે આગળ ચાલી રહેલા ટ્રક ટ્રેલરે અચાનક બ્રેક મારતા પાછળથી પૂરપાટ ઝડપે આવતી ટેમ્પો ટ્રાવેલર ધડાકાભેર ટ્રેલરમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
હિમતનગર ઓવરબ્રિજ પાસે દુર્ઘટના
મળતી માહિતી મુજબ, ટ્રક ટ્રેલરે બ્રેક મારતા પાછળથી આવતી ટેમ્પો ટ્રાવેલર ધમાકાભેર ટ્રેલરમાં ઘૂસી ગઈ હતી. આ દુર્ઘટના અત્યંત ભયાનક હતી કે, ટેમ્પો ટ્રાવેલરના આગળને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને હિંમતનગર એ ડિવિઝનને જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
પ્રવાસે નીકળેલા સેલ્સમેનો દુર્ઘટનાનો ભોગ બન્યા
હાંસલપુર ગામના પૂર્વ સરપંચ બ્રિજેશ પટેલ પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર, હિન્દુસ્તાન લીવર લિમિટેડના ડીલર કૃતાર્થ પટેલ પોતાના સેલ્સમેનો સાથે રાજસ્થાનમાં સુંધા માતાજી અને જેસલમેર પ્રવાસ માટ જઈ રહ્યા હતા, શુક્રવારના રોજ રાતે હિંમતનગરના હાજીપુરથી 10 લોકો ટેમ્પો ટ્રાવેલરમાં બેસીને પ્રવાસ કરવા માટે નીકળ્યા હતા, તે દરમિયાન આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી.
પોલીસે તપાસ શરુ કરી
ઘટના સ્થળ પર પોલીસ અને એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડ્યા હતા. તેમજ મરણ જનારના મૃતદેહને પીએમ માટે ખસેડી આપ્યો હતો. જેમાં મૃતક અંકલેશભાઈ વિક્રમભાઈ પટેલ (ઉ.42)નું નામ સામે આવ્યું છે. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત વિષ્ણુભાઈ, ઉપરાંત ધર્મેશ વણકર (ઉંમર 30), કલ્યાણ મકવાણા (ઉંમર 25), રવિસિંહ ચૌહાણ (ઉંમર 30) ને ઈજાઓ પહોંચતા તેઓ સારવાર હેઠળ છે.
પોલીસના પ્રાથમિક તારણ પ્રમાણે, હાઈવે પર પડેલા ખાડાને લીધે ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. હાલ હિંમતનગર એ ડિવિઝન પોલીસે અક્સમાત અંગે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
