Himatnagar Accident News: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આગિયોલ–કાંકણોલ ગામ વચ્ચે નેશનલ હાઈવે નંબર-48 (NH-48) પર હોટલ મિરર ક્યુબ નજીક આજે દૂધ ભરેલું એક ટેન્કર પલટી જવાની ઘટના બની હતી. ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટેન્કર રસ્તા પર જ પલટી ગયું. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ટેન્કર ગાંભોઈ નજીકના આસપાસના ગામોમાંથી અંદાજે 8,000 લીટર દૂધ એકત્ર કરીને સાબર ડેરી ખાતે લઈ જઈ રહ્યું હતું. દરમિયાન હોટલ મિરર ક્યુબ પાસે પહોંચતા જ અકસ્માત સર્જાયો હતો. દૂધ ભરેલું ટેન્કર હાઈવે પર પલટી જતાં ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.
કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ, દૂધ ભરેલું ટેન્કર પલટવાની ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો ઘરના વાસણોલઈને સ્થળ પર ઉમટી પડ્યા હતા. ટેન્કર પલટી જતાં તેના ઉપરના ભાગમાંથી લીક થઈ રહેલા દૂધને લોકો પોતાના વાસણોમાં ભરી ભરીને લઈ જતા નજરે પડ્યા હતા.
