Himatnagar Car Accident: હિંમતનગરના મોતીપુરા પાસે આવેલા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે 48 પર એક કાર અકસ્માત સર્જાયો હતો. ઓવરબ્રિજ પર એક કારને પાછળથી ટક્કર માર્યા બાદ અકસ્માતગ્રસ્ત કાર ઓવરબ્રિજ પર જ પલટી મારી ગઈ હતી. આ બનાવમાં ચાલક સહિત 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
સફારી કારના ચાલક કાર્તિકભાઈએ અકસ્માત અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના પરિવાર સાથે ભિલોડા સ્થિત ભવનાથ મંદિરે દર્શન કરીને અમદાવાદ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન મોતીપુરા ઓવરબ્રિજ પર પાછળથી પૂરપાટ ઝડપે આવેલી એક કારે તેમની સફારી કારને ટક્કર મારી હતી.
કાર્તિકભાઈએ સમયસૂચકતા વાપરી પોતાની કાર આગળ લઈ લીધી હતી. બીજી તરફ તેમની કારને ટક્કર મારનાર કાર ઓવરબ્રિજ પર જ પલટી ગઈ હતી. સદનસીબે કાર્તિકભાઈના પરિવારના સભ્યોને કોઈ ઈજા પહોંચી નહોતી. ઘટના અંગે જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને 112 જનરક્ષક ટીમ ત્વરિત સ્થળ પર પહોંચી ગઈ હતી.
108 ટીમે ત્વરિત કાર્યવાહી કરીને પલટી ગયેલી કારના ચાલક સહિત 4 ઈજાગ્રસ્તોને તાત્કાલિક વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવની જાણ થતાં જ 112 જનરક્ષક અને નેશનલ હાઈવેના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવી અકસ્માત અંગેની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
