Bhadarvi Poonam 2026: ભાદરવી પૂનમના પાવન અવસર પર ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સિવાય ખેડબ્રહ્માના અંબાજી મંદિર ખાતે માઈભક્તોનું વિશાળ માનવમહેરામણ ઉમટ્યુ છે. 'જય મા અંબે'ના ગગનભેદી જયઘોષ સાથે ગુજરાતના ખૂણે ખૂણેથી અને અન્ય રાજ્યોમાંથી ભક્તો માતાના દર્શનાર્થે પહોંચી રહ્યા છે.
કેટલા ભક્તોએ કર્યા દર્શન?
ખેડબ્રહ્માના અંબિકા મંદિરના મેનેજર દિલીપસિંહની વિગત મુજબ, અગિયારસ સુધીમાં 7, 70 લાખથી વધુ દર્શનાર્થીઓએ માતાના દર્શન કર્યા છે,. તેમજ અત્યાર સુધીમાં 485 સંઘો દ્વારા 5550 જેટલી ધજાઓ ચઢાવીને માનતા પૂર્ણ કરવામાં આવી છે. તેમજ મંદિરે આવતા તમામ ભક્તજનો અને પદયાત્રીઓ માટે મહાપ્રસાદની ખાસ વ્યવસ્થા કરાઈ હતી.
માઈભક્તે લાખોની ભેટ અર્પણ કરી
ભાદરવી પૂનમના પાવન પ્રસંગે અમદાવાદના એક શ્રદ્ધાળુએ અંબિકા મંદિરે મા અંબાના ચરણોમાં લાખોની ભેટ અર્પણ કરી હતી. માઈભક્તે સોના-ચાંદીના મનોહર વર્કવાળો ચાંદીનો મુગટ, આકર્ષક કમરપટ્ટો જેની કિંમત અંદાજે 3.3 લાખથી વધુની છે. તેમજ પાટણનું પ્રસિદ્ધ પટોળું એમ કુલ 3.4 લાખથી વધુ મૂલ્યની ભેટ ભક્તે માતા અંબાના ચરણોમાં ધરી હતી.
પોલીસ બંદોબસ્ત અને ફૂટ પેટ્રોલિંગ
પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાબરકાંઠાના પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, LCB PI ડી.સી. સાકરીયા અને SOGની ટીમે ઇડરથી ખેડબ્રહ્મા સુધીના સમગ્ર પદયાત્રા રૂટ પર મોડી રાત્રે ફૂટ પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરી હતી.
