Jetpur: જેતપુરમાં 11 કિલો ગાંજા સાથે બિલખા પંથકમાં યુવકની ધરપકડ, રૂપિયા 1.32 લાખનો મુદ્દામાલ જપ્ત

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 12 Mar 2024 09:14 PM (IST)Updated: Tue, 12 Mar 2024 09:14 PM (IST)
youth-arrested-in-bilkha-panthak-with-11-kg-ganja-in-jetpur-cash-worth-rs-1-32-lakh-seized

Jetpur: જેતપુર સીટી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 11 કિલો 256 ગ્રામ ગાંજા સાથે બિલખાના માંદનપરાના મહેશ ઉર્ફે મયુર સોલંકીને દબોચી લીધો હતો અને રૂા. 1 લાખ 32 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.

જેતપુર સીટી પોલીસના સુત્રો તરફથી મળેલી વિગત મુજબ પીએસઆઇ વી.સી.પરમાર તેમના સ્ટાફ સાથે પોલીસ મથકે હતા ત્યારે સાથેના કોન્સ્ટેબલ ભરતભાઇ ગમારાને બાતમી મળી હતી કે આરોપી મહેશ ઉર્ફે મયુર હરેશભાઇ સોલંકી (રહે. માંદનપરા, તા. બિલખા, જિ. જુનાગઢ) જેતપુર બસ સ્ટેશન તરફથી બાઇક પર ગાંજાનો જથ્થા લઇ બિલખા તરફ જવાનો છે.

જેથી પીએસઆઇએ તુરંત પીઆઇ એ.ડી.પરમારને જાણ કરી હતી. પીઆઇના માર્ગદર્શન હેઠળ જેતપુર પોલીસની ટીમે સારણાના પુલ ઉપર વોચ ગોઠવી વાહન ચેકીંગની કામગીરી શરૂ કરી હતી.એ દરમિયાન આરોપી બાઇક પર આવતો દેખાતા તેને અટકાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ આરોપીએ પોતાનું બાઇક ખીરસરા રોડ પર પુરપાટ ઝડપે હંકારી મુકયુ હતું. પોલીસ ટીમે તુરંત તેનો પીછો કરી ખીરસરા રોડ પર અંબિકા એન્જીનીયરીંગ નામની દુકાન પાસે તે શખ્સને ઝડપી લીધો હતો. આરોપીની સાથે બાઇક પર સફેદ કલરના પશુ આહારના પ્લાસ્ટીકના બાચકામાં ગાંજાનો જથ્થો હતો.

પોલીસે જાણ કરતા એફએસએલ અધિકારી વી.કે.પરમાર સ્થળ પર દોડી ગયા હતા અને આ જથ્થો ગાંજો હોવાનો પ્રાથમિક અભિપ્રાય આવતા રૂા. 1 લાખ 12 હજાર 560ની કિંમતનો 11 કિલો 256 ગ્રામ ગાંજો, મોબાઇલ ફોન, બાઇક મળી રૂા. 1 લાખ 3ર હજાર પ60ની કિંમતનો મુદામાલ કબ્જે કરી જેતપુર સીટી પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો. આરોપી ગાંજો કયાંથી અને કોની પાસેથી લાવ્યો હતો ? કોને આપવાનો કે વેચવાનો હતો ? તે અંગે વધુ તપાસ પીએસઆઇ કે.એસ.ગરચરે હાથ ધરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.