જૂનાગઢમાં ફરી વનરાજાનો શાહી અંદાજ: બિલખા રોડ પર 10 સિંહબાળ સાથે સિંહ પરિવારે લગાવી લટાર, જુઓ વીડિયો

જૂનાગઢના બિલખા રોડ પર મોડી રાત્રે 10 સિંહબાળ સહિતના સિંહ પરિવારે શાહી અંદાજમાં લટાર લગાવી હતી, જેનો વીડિયો વાયરલ થયો છે. આ દ્રશ્ય જોઈને વાહનવ્યવહાર થંભી ગયો હતો અને લોકોએ આ રોમાંચક પળને પોતાના મોબાઈલમાં કેદ કરી હતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 22 Jun 2026 12:21 PM (IST)Updated: Mon, 22 Jun 2026 12:21 PM (IST)
junagadh-lion-family-with-10-cubs-strolls-on-bilkha-road

Junagadh News: ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરમાં ફરી એક વખત સિંહ પરિવારનો દબદબો જોવા મળ્યો છે. પોતાના શાહી અંદાજ માટે સિંહો પ્રખ્યાત છે. ત્યારે ગઈ મોડી રાત્રે બિલખા રોડ પર વનરાજાએ પોતાના શાહી પરિવાર સાથે લટાર લગાવી હતી.

સિંહ પરિવારની શાહી સવારી નીકળી

આ ભવ્ય કાફલામાં એક મોટો ડાલામથ્થો સિંહ, સિંહણ અને નાના-મોટા 10 સિંહબાળ એકસાથે રસ્તા પર મુક્તપણે વિહરતા નજરે પડ્યા હતા. આનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. જંગલના રાજાને આખા પરિવાર સાથે રસ્તા પર આમ ઠાઠથી ચાલતા જોઈને થોડીવાર માટે વાહનવ્યવહાર થંભી ગયો હતો.

લોકોએ મોબાઈલમાં દ્રશ્ય કેદ કર્યું

રસ્તા પરથી પસાર થતાં લોકોએ આ રોમાંચક પળને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી. નોધનીય છે કે, ગત શુક્રવારના રોજ મોડી રાત્રે આ જ સિંહ પરિવારે ગ્રોફેડ પાસે એક શિકાર કરીને કલાકો સુધી મારણની મિજબાની કરી હતી. જૂનાગઢના માર્ગો પર અવારનવાર સિંહોનું આગમન સ્થાનિક લોકો માટે રોમાંચ અને અદભુત આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.