Rajkot News:રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આજે એક ભવ્ય અને પ્રભાવશાળી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે ખેડૂત નેતા અને 'છોટે સરદાર' તરીકે જાણીતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડૂતોની સુવિધા માટે ૧૨ કરોડના ખર્ચે નવનિર્મિત ઓક્શન શેડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જેતપુરના ધારાસભ્ય અને સહકારી અગ્રણી જયેશ રાદડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
જયેશ રાદડિયાએ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાના ખેડૂતો અને સહકારી ક્ષેત્ર માટેના આજીવન યોગદાનને ભાવપૂર્વક યાદ કર્યું હતું. તેમણે યાર્ડના ચેરમેન જયેશ બોઘરા અને સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો આભાર માનતા જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતમાં યાર્ડ દ્વારા ઉત્તમ કામગીરી થઈ રહી છે.
કાર્યક્રમ દરમિયાન જયેશ રાદડિયાએ પોતાના રાજકીય અને સહકારી વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "રાજનીતિમાં પાડી દેવાની વાતો સમયે સમયે ચાલતી હોય છે, પણ સહકારી ક્ષેત્ર અને ખેડૂતોનો ભરોસો જીતવો એ ખૂબ મોટી વાત છે. ૫ વર્ષ પહેલાં અમુક લોકો ચૂંટણી લડવા આવ્યા હતા, જેને ૧૪૦૦ માંથી માત્ર ૮૦ મત મળ્યા હતા. ૫૦-૬૦ મત તો ગાંડાને પણ મળે છે." તેમણે ઉમેર્યું હતું કે આગામી સમયમાં ચૂંટણી આવશે ત્યારે અમે કામોના આધારે મેદાનમાં ઉતરીશું.
યાર્ડની કામગીરીની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે પાંચ વર્ષ પહેલાં ખેડૂતોએ ૯૮% મતોથી નવી પેનલને વિજયી બનાવી હતી. ચેરમેન જયેશ બોઘરાના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં યાર્ડમાં ૬૦ કરોડ રૂપિયાના વિકાસકાર્યો થયા છે, જેથી ખેડૂતોનો માલ વરસાદમાં પલળે નહીં અને તેમને પૂરતી સુવિધા મળી રહે.સહકારી ચૂંટણીઓ અને બેંકની કામગીરી વિશે વાત કરતા જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા સહકારી બેંક, રાજકોટ ડેરી કે માર્કેટિંગ યાર્ડ હંમેશાં બિનરાજકીય અને પ્રામાણિક રીતે ચાલે તેવા પ્રયાસો રહ્યા છે. તાજેતરમાં જ રાજકોટ જિલ્લા સહકારી બેંકે ૨૮૦ કરોડથી વધુ નફો કર્યો છે અને વર્ષના અંતે ૨૦૦ કરોડ ખેડૂતો અને મંડળીઓને રિટર્ન આપ્યા છે. ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજે લોન અને ૧૫ લાખ રૂપિયાની અકસ્માત વીમા પૉલિસી જેવી સુવિધાઓ આપી નાનામાં નાના ખેડૂતનો સહકારી માળખા પરનો ભરોસો વધુ મજબૂત બનાવ્યો છે.
