Rajkot News:જૂની અદાવતમાં હત્યા કરવા નીકળેલા ચાર શખ્સો હથિયાર સાથે ઝડપાયા

આ ઘટના અંગે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ક્રીપાલસિંહ નરપતસિંહ જાડેજા દ્વારા તમામ આરોપીઓ સામે વિધિવત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 07 Oct 2026 10:54 PM (IST)Updated: Wed, 07 Oct 2026 10:54 PM (IST)
rajkot-news-four-individuals-apprehended-with-weapons-while-setting-out-to-commit-murder-over-an-old-enmity

Rajkot News:રાજકોટ શહેરના ભગવતીપરામાં જૂની અદાવતનો ખાર રાખીને એક યુવક પર હુમલો કરવાના ઇરાદાથી ઘાતક હથિયારો સાથે ફરી રહેલા ચાર શખ્સોને બી-ડિવિઝન પોલીસની ટીમે સમયસૂચકતા વાપરીને ઝડપી લીધા છે. આ ઘટના અંગે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ક્રીપાલસિંહ નરપતસિંહ જાડેજા દ્વારા તમામ આરોપીઓ સામે વિધિવત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ સ્ટાફે ત્વરિત કામગીરી કરીને કોઈ અનિચ્છનીય કે ગંભીર બનાવ બને તે પહેલાં જ ચારેય શખ્સોને હથિયારોના જથ્થા સાથે સ્થળ પરથી જ ઝડપી લીધા હતા.

પોલીસ અહેવાલમાંથી મળતી વિગતો અનુસાર, બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં હાજર હતો ત્યારે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ભગવતીપરામાં રહેતા ગૌરાંગ ઉર્ફે ગવલો અરવિંદભાઈ બાવાજી અને સિકંદર હારૂૂનભાઈ રાઉમા વચ્ચે અગાઉની જૂની માથાકૂટ ચાલી રહી છે. આ જૂની અદાવતનો ખાર રાખીને સિકંદર રાઉમા પોતાના અન્ય ત્રણ મિત્રો સાથે મળીને ઘાતક હથિયારો ધારણ કરી ગૌરાંગને મારવાના ઇરાદાથી તેની શોધખોળ કરી રહ્યો છે. બાતમી મળતા જ ઘટનાની ગંભીરતા સમજીને પોલીસની ટીમ તુરંત જ ભગવતીપરા વિસ્તાર તરફ રવાના થઈ ગઈ હતી. 

પોલીસ ટીમે ભગવતીપરા આશાબાપીરની દરગાહ વાળા મેઈન રોડ પર ગુલાબભાઈ ડિસવાળાની દુકાન પાસે પહોંચીને જાહેર રસ્તા પર ઉભેલા ચાર શખ્સોને ઘેરાબંધી કરીને પકડી પાડ્યા હતા. સ્વતંત્ર પંચોની હાજરીમાં પૂછપરછ કરતા આરોપીઓની ઓળખ સિકંદર હારૂૂનભાઈ રાઉમા (ઉં.વ. 31), પ્રહલાદસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉં.વ. 23), નવાજ સલીમભાઈ મુલતાની (ઉં.વ. 24) અને સમીર ફીરોજભાઈ શાહમદાર (ઉં.વ. 26) તરીકે થઈ હતી. આ શખ્સોની ઝડતી લેતા સિકંદર પાસેથી ઉર્દૂમાં લખાણ વાળી સ્ટીલની તલવાર, પ્રહલાદસિંહ પાસેથી સ્ટીલની તલવાર, નવાજ પાસેથી ફરસી ટાઈપની છરી અને સમીર પાસેથી લોખંડની પ્લેટમાંથી બનાવેલું પોણા ફૂટનું તીક્ષ્ણ હથિયાર મળી આવ્યું હતું.
આરોપીઓ પાસે હથિયારો રાખવા અંગેનું કોઈ પાસ-પરમિટ કે કાયદેસરનું લાઈસન્સ ન હતું. જેથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરના હથિયાર બંધી અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ તેમજ ગેરકાયદે હથિયારો રાખવા બદલ પોલીસ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને બી.એન.એસ. કલમ 223, 3(5) તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી ચારેય આરોપીઓની ધોરણસર અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.