સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ સૌરાષ્ટ્રમાં માવઠુંઃ રાજકોટમાં સાંજે 5 વાગ્યે અંધારપટ્ટ છવાયો, 1 ઈંચ ધોધમાર વરસાદથી રસ્તા પર નદીઓ વહી

ભર ઉનાળે વરસાદ તૂટી પડતાં લોકો છત્રી લઈને નીકળ્યા. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 19 Mar 2026 06:32 PM (IST)Updated: Thu, 19 Mar 2026 06:32 PM (IST)
unseasonal-rain-hits-rajkot-1-inch-downpour-floods-streets-trees-uprooted
HIGHLIGHTS
  • ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થતાં વાહનોને નુકસાન

Rajkot: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી ગુજરાતના મોટાભાગમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતુ. જો કે બપોર પડતાં અલગ-અલગ ભાગોમાં ભારે પવન અને કરાં સાથે વરસાદ તૂટી પડ્યો છે. રાજકોટમાં પણ સમી સાંજે 5 વાગ્યે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયા બાદ કરા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

આજે વહેલી સવારથી રાજકોટમાં સૂરજ અને વાદળની સંતાકૂકડી વચ્ચે સમી સાંજે સમગ્ર શહેરમાં અંધારપટ્ટ છવાઈ ગયો હતો. જેના કારણે વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકોને દિવસના સમયે હેડ લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી.

રાજકોટમાં સાંજે સુસવાટા મારતો પવન ફૂંકાતા અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હોવાની ફરિયાદો મળી છે. તેમજ દોઢ કલાકમાં જ એક ઈંચ જેટલો ધોધમાર વરસાદ તૂટી પડતાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અનેક ઠેકાણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. લોકોને ભરઉનાળે છત્રીઓ લઈને બહાર નીકળવાની ફરજ પડી હતી.

તોફાની પવન ફૂંકાતા રાજકોટના કાલાવડ રોડ પર આત્મિય યુનિવર્સિટી પાછળ આવેલી સત્યસાંઈ હોસ્પિટલ મેઈન રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં નીચે પાર્ક કરેલા ટુ-વ્હીલરને નુકસાન પહોંચ્યું હતુ.