ધોરાજીના ખાખરા વિસ્તારમાં દુર્ઘટના: જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી, 5 વર્ષની બાળકી કાટમાળ નીચે દબાઈ

આ દુર્ઘટનામાં ઘરની અંદર રહેલા એક જ પરિવારના 3 લોકો અને એક 5 વર્ષીય માસુમ બાળકી કાટમાળ નીચે દબાઈ ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી લોકોને બહાર કાઢ્યા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 01 Dec 2025 10:49 AM (IST)Updated: Mon, 01 Dec 2025 10:49 AM (IST)
tragedy-in-dhoraji-khakhra-area-part-of-dilapidated-building-collapses-5-year-old-girl-buried-under-rubble

Dhoraji, Building Collapse: ધોરાજીના ખાખરા વિસ્તારમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના બની હતી. આ વિસ્તારમાં આવેલું એક જૂનવાણી અને જર્જરિત મકાનનો ત્રીજા માળ પરનો સ્લેબ અને દીવાલનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેના કારણે ચકચાર મચી ગઈ હતી.

મકાન ધરાશાયી થયું

આ દુર્ઘટનામાં ઘરની અંદર રહેલા એક જ પરિવારના 3 લોકો અને એક 5 વર્ષીય માસુમ બાળકી કાટમાળ નીચે દબાઈ ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી લોકોને બહાર કાઢ્યા હતા. દુર્ઘટનામાં 5 વર્ષીય બાળકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેની હાલત લોહીલુહાણ બની ગઈ હતી. બાળકીની હાલત નાજુક જણાતા તેને તાત્કાલિક ધોરાજીથી વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવી હતી. મકાનનો આગળનો ભાગ અને દિવાલ તૂટી પડતા નીચેના ભાગમાં પણ કાટમાળના ખડકલા થઈ ગયા હતા.

તંત્ર ઉપર સવાલો ઉઠ્યા

આ ગંભીર ઘટના બાદ નગરપાલિકાના તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, ઘટનાના લાંબા સમય બાદ પણ નગરપાલિકાનો એક પણ અધિકારી ફરક્યો નહોતો.સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં વારંવાર ફોન કરવા છતાં કોઈ યોગ્ય જવાબ ન મળતા લોકોમાં તંત્રની બેદરકારી સામે પ્રચંડ રોષ ફેલાયો હતો. ઘટના સ્થળે માત્ર GEB ની ટીમ પહોંચી હતી, પરંતુ પાલિકા તંત્રની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.ધોરાજીના ભરચક વિસ્તારમાં આવેલા આવા અનેક જર્જરિત મકાનોના જોખમ સામે પાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા હોવાથી આગામી સમયમાં વધુ મોટી દુર્ઘટના બનવાની ભીતિ સેવાઈ રહી છે.