Rajkot TRP Game Zone Fire: રાજકોટના નાના મવા રોડ પર મોકાજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇકાલે સાંજે આગની ઘટના બની હતી. આ ભીષણ આગની ઘટનામાં બાળકો સહિત 30 લોકોના મોત નીપજ્યાં હતા. આગ સમયે ગેમ ઝોનમાં હાજર રહેલા દક્ષ કુંજડિયા નામના ટીનેજરે સમગ્ર ઘટનાનો ચીતાર જણાવ્યો હતો. આગ લાગી ત્યારે ધૂમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. દક્ષે હિંમત કરીને એક પતરું તોડ્યું અને ત્યાંથી 15 લોકો બહાર નીકળી શક્યા હતા.
દક્ષ કુંજડિયાએ સમગ્ર ઘટના અંગે વર્ણવતા જણાવ્યું હતું કે, હું અને મારો 10 વર્ષીય કઝિન બોલિંગ કરવા માટે ગયા હતા. અમે બોલિંગ કરી રહ્યાં હતા ત્યારે આગ લાગી હતી. ત્યાંનો સ્ટાફ અમને ઇમરજન્સી એક્ઝિટ પાસે લઇ ગયો હતો. આગ જે લાગી હતી તે ઇમરજન્સી એક્ઝિટ પાસે જ લાગી હતી.
અમારો ઇમરજન્સી ગેટ અને એન્ટ્રી ગેટ બધુ બંધ થઇ ગયું હતું. અમારી પાસે બહાર નિકળવા માટે કોઇ ઓપ્શન ન હતું. મે કોર્નરમાં જોયું કે એક સ્ટીલની શીટ( પતરું) છે તેને તોડીને બહાર નીકળી શકાય છે. મે તેને તોડી અને 20થી 30 લોકો હતો અમે. બોલિંગનું બોક્સ ફૂલ થઇ ગયું હતું. કોઇ એન્ટ્રી કે એક્ઝિટનો રસ્તો ન હતો. મે જે સ્ટીલની શીટ તોડી હતી તેમાંથી હું અને 15 લોકો બહાર નીકળી ગયા હતા.
આગ ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગી હતી. નીચે ગો-કાર્ટિંગની ગેમ હતી અને ત્યાં પેટ્રોલના કેન્સ પડ્યા હતા. નીચે જ્યાં કન્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું ત્યાં વુડન પ્લેન્કસ પડ્યા હતા. આગ વુડન પ્લેન્કસમાં આગ લાગી હતી. નવી ગેમ્સ માટે કન્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું. બોલિંગનો એન્ટ્રી ગેટ હતો ત્યાં વુડનને બે પ્લેન્કસ પડી હતી અને ત્યાં વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું.
નાના બાળકો ટ્રેમ્પોલિંગ પાર્કમાં હતા. બોલિંગમાં એન્ટ્રી અને એક્ઝિટ માટેનો એક જ ગેટ હતો. જે કાચનો હતો. તેમાં રબ્બરની પ્લેટ લાગી હતી જે ગરમ થવાથી ચોંટી ગઇ હતી અને તેના કારણે ગેટ ખુલી શક્યો ન હતો. ત્યાં કોઇ ફાયર એક્સિક્યુઝન હતા નહીં. તેમનો સ્ટાફ અમારી જોડે લોક થઇ ગયો હતો. ધૂમાડો એટલો હતો કે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
