Rajkot News: રાજકોટની ભાગોળે પડધરીના મોટા રામપરા ગામે આવેલ શ્રી જ્ઞાન વિદ્યાલય ગુરુકુળમાં સોલારની પાઈપ ફાટતા ગંભીર રીતે દાઝી ગયેલા પટેલ પરિવારના એકના એક પુત્રનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે એક વિદ્યાર્થી ગંભીર રીતે દાઝી ગયો હતો.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ પડધરીના મોટા રામપરા ગામે આવેલ શ્રી જ્ઞાન વિદ્યાલય ગુરુકુળની હોસ્ટેલમાં રહેતાં મીત પંકજ કોટડીયા (ઉ.વ.13) નામનો વિદ્યાર્થી ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું વહેલી સવારે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
પોલીસની તપાસ અનુસાર, ગત તા.14/3/23ના સવારે હોસ્ટેલમાં ગરમ પાણી આવતુ ન હોય હોસ્ટેલના સંચાલક દ્વારા વિદ્યાર્થીઓને સોલાર ચેક કરવા માટે મોકલ્યા હતા. અગાશી પર સોલાર ચેક કરવા ગયેલા વિદ્યાર્થીઓ પાઈપલાઈન ચેક કરી રહ્યા હતા ત્યારે અચાનક પાઈપ ફાટતાં ગરમ પાણી ઉડવાના કારણે બે વિદ્યાર્થી ગંભીર રીતે દાઝી ગયા હતા.
રાજકોટના રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતા અને શ્રીજ્ઞાન વિદ્યાલય ગુરુકુળમાં ધો.8માં અભ્યાસ કરતાં મીત પંકજભાઈ કોટડીયા (ઉ.વ.13) અને પડધરીના જીવરીયા ગામે રહેતા અને ગુરુકુળમાં ધો.8માં અભ્યાસ કરતાં ઓમ દિનેશભાઈ બુસા (ઉ.વ.13) દાઝી ગયા હતા. જેમાં મીતનું આજે સવારે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
રાજકોટના રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતો મીત પંકજ કોટડીયા (ઉ.વ.13) ધો.8માં શ્રીજ્ઞાન વિદ્યાલય ગુરુકુળમાં અભ્યાસ કરતો હતો અને એક વર્ષથી હોસ્ટેલમાં રહેતો હતો. મીત પટેલના પિતા ચાંદીકામ કરતા હોવાનું અને મીત એકનો એક પુત્ર હોય તેનું અકાળે અવસાન થતાં પટેલ દંપતી ભાંગી પડ્યું હતું.
