Arjun Modhwadia on Sasan Gir Jungle Safari 2026: રાજકોટ અને સાસણ ગીર વિસ્તારમાં પ્રવાસીઓ માટે સિંહ દર્શન લાયન સફારી 13 દિવસ વહેલા શરૂ થવાના મામલે હાલ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા જાગી છે. આ વિવાદ વચ્ચે ગુજરાતના વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ સામે આવીને આ મામલે સ્પષ્ટ અને મક્કમ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છેકે, જેમની પાસે પૂરતી માહિતી નથી એ લોકો આ પ્રકારની વાતો કરી રહ્યાં છે.
સામાન્ય સંજોગોમાં અને પરંપરાગત નિયમો મુજબ સાસણ ગીર ખાતે સિંહ દર્શનનો પ્રારંભ દર વર્ષે 15 ઓક્ટોબરના રોજ થતો હોય છે. ચોમાસાની ઋતુ અને વન્યજીવોના સંવર્ધન તથા પ્રજનન કાળને ધ્યાનમાં રાખીને આ સમય નક્કી કરાયો હોય છે. જો કે, આ વર્ષે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરીને 15 ઓક્ટોબરને બદલે 3 ઓક્ટોબરથી જ સિંહ દર્શન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને કેટલાક સ્તરેથી સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો
ગીરમાં સિંહ દર્શન વહેલું શરૂ કરવા અંગે કેટલાક સિંહ પ્રેમીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબ આપતા વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જે લોકોને આ બાબતની પૂરતી અને સાચી માહિતી નથી, માત્ર તે જ લોકો આ મામલે અકારણ વિરોધ કરી રહ્યા છે. તમામ પ્રક્રિયાઓ અને નિયમોનું ચુસ્તપણે પાલન કરીને જ સિંહ દર્શન વહેલા શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે.
આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ જે આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ છે એ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલની અંદર આપણાં જે ગીરનું જે ફોરેસ્ટ મેનેજમેન્ટ છે અને વાઈલ્ડ લાઈફ મેનેજમેન્ટ એ દુનિયામાં નંબર વન છે. સાઉથ આફ્રિકાની અંદર જે આફ્રિકા ખંડની અંદર જે સિંહો છે એની વસ્તી ઘટે છે જ્યારે આપણી સિંહોની વસ્તી ખૂબ સારી રીતે વધી છે. એ આપણાં કંઝરવેશનનો ઉત્તમ નમૂનો છે અને ઉલ્ટાના આપણી પાસેથી લોકો શીખવા માટે આવે છે. જે લોકોને બહુ જાણકારી ન હોય એ કોઈ ફેરફાર બદલાવ કરીએ એટલે એમને કદાચ ખ્યાલ ન હોય તો આ પ્રકારની વાત કરતા હોય છે. પણ આંતરરાષ્ટ્રીય જે પ્રોટોકોલ છે, એ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ પ્રમાણે જ આપણાં જે ગીરનું અને ત્યાંના આપણાં જે ગીર પ્રાઇડ છે સિંહનું એ સંવર્ધન થાય છે.
