Rajkot Municipal Election 2026 (રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી): રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે. ખાસ કરીને રાજકોટમાં નણંદ અને ભાભી વચ્ચેનો રાજકીય જંગ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપના નેતા રીવાબા જાડેજાએ કોંગ્રેસમાંથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા તેમના નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા તો પાઠવી હતી, પરંતુ સાથે જ ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. જેના જવાબમાં નયનાબાએ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
ભાજપની પેનલના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડશેઃ રીવાબા જાડેજા
રાજકોટ ખાતે આવેલા રીવાબા જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા તેમના નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા પાઠવી હતી. રીવાબાએ જણાવ્યું હતું કે, હું ચૂંટણી લડનારને શુભેચ્છા પાઠવું છું. જો કે, જીત ભાજપની જ થશે તેવો મને પૂરો ભરોસો છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "મને ભાજપના કાર્યકર્તાઓ પર પૂર્ણ વિશ્વાસ છે કે આગામી 28 તારીખે તેઓ ભાજપની પેનલના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડશે અને કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે.
જીત એ આવનારો સમય અને જનતા જ નક્કી કરશેઃ નયનાબા જાડેજા
ભાભી રીવાબાના દાવાઓનો સણસણતો જવાબ આપતા રાજકોટ શહેર વોર્ડ નં. 2ના કોંગ્રેસના ઉમેદવાર નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે, મને શુભેચ્છા પાઠવનાર મારા તમામ શુભેચ્છકો, મારા સમાજના લોકો, મારા વિસ્તારના મતદારો અને માતાજી ભગવતીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું."
ભાજપના શાસન પર પ્રહાર કરતા નયનાબાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ચૂંટણીમાં જીત કોની થશે તે તો આવનારો સમય જ બતાવશે. ભાજપના પૂર્વ નગરસેવકોએ પ્રજાલક્ષી કોઈ કામ કર્યા નથી, તેમણે માત્ર ભ્રષ્ટાચાર જ કર્યા છે. જનતા પણ હવે આ વાત સારી રીતે જાણી ગઈ છે, માટે ભાજપની હાર થશે કે જીત એ આવનારો સમય અને જનતા જ નક્કી કરશે.
