સકોર્સનું આકાશ બન્યું રંગબેરંગી: રાજકોટમાં 41 વર્ષની પરંપરા આજે પણ જીવંત, ધનતેરસની ભવ્ય આતશબાજીનો નજારો

ખાસ કરીને દિવાળીના પર્વ નિમિત્તે, રાજકોટ મહાનગર પાલિકા (RMC) દ્વારા સતત 41 વર્ષથી ધનતેરસના દિવસે ભવ્ય આતશબાજીનું આયોજન કરવાની પરંપરા જાળવવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 19 Oct 2025 11:45 AM (IST)Updated: Sun 19 Oct 2025 11:45 AM (IST)
rajkots-41-year-old-racecourse-fireworks-tradition-lights-up-the-sky-623602

Rajkot News: ઉજાસના પર્વ દિવાળીની ઉજવણીની શરૂઆત રાજકોટમાં ધામધૂમથી થઈ ગઈ છે. હિન્દૂ ધર્મનો આ સૌથી મોટો તહેવાર સમગ્ર દેશમાં ઉત્સાહભેર મનાવવામાં આવે છે, પરંતુ રાજકોટ શહેરની એક આગવી ઓળખ એ છે કે અહીં દરેક તહેવારને ખાસ રીતે મનાવવામાં આવે છે.

ખાસ કરીને દિવાળીના પર્વ નિમિત્તે, રાજકોટ મહાનગર પાલિકા (RMC) દ્વારા સતત 41 વર્ષથી ધનતેરસના દિવસે ભવ્ય આતશબાજીનું આયોજન કરવાની પરંપરા જાળવવામાં આવી છે. આ વર્ષે પણ શનિવારની રાત્રે આ પરંપરાગત ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેસકોર્ષ મેદાન સ્થિત માધવરાય સિંધિયા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ આતશબાજીને નિહાળવા માટે લાખોની સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા. શહેરના લોકોએ ઉત્સાહભેર એક કલાક સુધી આ અદ્ભુત દ્રશ્યોનો આનંદ માણ્યો હતો.

આ આતશબાજીના કાર્યક્રમમાં અનેક અવનવી વેરાયટીના ફટાકડા ફૂટ્યા હતા, જેના કારણે રેસકોર્ષનું આકાશ જાણે રંગબેરંગી રંગોળીથી છવાઈ ગયું હતું. અગાઉ 45 મિનિટ સુધી ચાલતી આતશબાજી છેલ્લા ત્રણ વર્ષથી 60 મિનિટ એટલે કે પૂરા એક કલાક સુધી કરવામાં આવે છે.

નાના બાળકોથી લઈ મોટેરાઓએ આ ભવ્ય દ્રશ્યોનો પૂરેપૂરો આનંદ માણ્યો હતો. આજના દિવસથી જ શહેરમાં દિવાળીના ઉજાસ પથરાઈ ગયા છે. દીપોત્સવ પર્વને આડે હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે રાજકોટવાસીઓએ આ ભવ્ય આતશબાજી નિહાળીને દિવાળીની ઉજવણીનો પ્રારંભ કરી દીધો છે.

ધનતેરસના શુભ દિવસે યોજાયેલા આ આતશબાજી કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, મેયર નયનાબેન પેઢડીયા સહિત અનેક નેતાઓ, આગેવાનો, અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ભવ્ય નજારાને નિહાળવા માટે લાખોની સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે ગ્રાઉન્ડ જનમેદનીથી છલકાઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં માત્ર આતશબાજી જ નહીં, પરંતુ રેસકોર્સ રિંગરોડ પર ભવ્ય લાઇટિંગ, સાઉન્ડ અને લેશર શો સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, રાજકોટના લોકો દ્વારા રેસકોર્સ રિંગરોડ ફરતે અવનવી રંગોળીઓ પણ દોરવામાં આવી છે, જે વાતાવરણને વધુ ઉત્સાહમય બનાવી રહી છે. આ સમગ્ર દિવાળી કાર્નિવલની ઉજવણી પાછળ તંત્ર દ્વારા અંદાજે એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.