રાજકોટની ઈમ્પિરિયલ હોટલમાં લાગી આગ, કિચનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા નાસભાગ

આ ઘટના બનતા જ સૌપ્રથમ ઈમરજન્સી નંબર 112 પર કોલ કરીને જાણ કરવામાં આવી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 11 Nov 2026 04:22 PM (IST)Updated: Wed, 11 Nov 2026 04:23 PM (IST)
rajkot-yagnik-road-imperial-hotel-fire-kitchen-chimney-fire-brigade-rescue-operation

Rajkot Imperial Hotel Fire: રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલી નામાંકિત ઈમ્પિરિયલ હોટેલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. હોટલમાં કિચન એરિયાનીચીમનીમાં અચાનક આગ લાગતા ચિમની તથા હોટેલની અગાશીમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી.

આ ઘટના બનતા જ સૌપ્રથમ ઈમરજન્સી નંબર 112 પર કોલ કરીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા કાલાવડ રોડ ફાયર સ્ટેશનથી સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.

આગની ઘટનાને પગલે આસપાસના સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલ ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવવાની કામગીરી ચાલી રહી છે. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. તપાસ દરમિયાન હોટલના કિચન એરિયા પાસેથી મોટી સંખ્યામાં LPG ગેસ સિલિન્ડરનો જથ્થો મળી આવ્યો હતો. સમયસર ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લેતા ગેસ સિલિન્ડર સુધી આગ પહોંચતા અટકી હતી, જેના કારણે મોટી હોનારત ટળી ગઈ હતી.