Rajkot: રંગીલુ રાજકોટ રક્તરંજીત બન્યુ હોય તેમ જીવલેણ હુમલા અને હત્યા સહિતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા કુબલીયાપરામાં પૈસાની લેતીદેતી મામલે સગા ત્રણ ભાણેજો દ્વારા પોતાના જ મામા પર કરાયેલા જીવલેણ હુમલાની ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે.
ગંભીર રીતે ઘવાયેલા આધેડે ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે. આધેડના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. હુમલાખોર શખ્સોએ ઇજાગ્રસ્ત આધેડને સારવારમાં ખસેડાયા બાદ પાછળથી ઇજાગ્રસ્ત આધેડના પુત્રના મકાનને સળગાવી દીધુ હોવાનો સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, રાજકોટમાં થોરાળા મેઇન રોડ પર કુબલીયાપરામાં રહેતા ચીનાભાઈ હરીભાઇ જાડેજા (52) આધેડ સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ ચીનાભાઈ જ્યારે કુબલીયાપરામાં ચંદ્રીકાપાન પાસે જાહેર શેડ ઉપર હાજર હતા, ત્યારે તેમના ત્રણેય સગા ભાણેજો કમલેશ ઉર્ફે યોગો, વિજયભાઈ પરમાર અને અમીત ઉર્ફે હોજરી પરમાર ત્યાં ધસી આવ્યા હતા.
ભાણેજોએ પોતાના આપેલા પૈસાની કડક ઉઘરાણી કરી મામા સાથે ઉગ્ર ઝઘડો અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. વાત એટલી વણસી ગઈ હતી કે, ત્રણેય ભાઈઓએ ભેગા મળી પોતાના મામાને બેરહેમીથી ગડદાપાટુનો મૂઢ માર માર્યો હતો. આ હુમલા દરમિયાન મુખ્ય આરોપી કમલેશ ઉર્ફે યોગાએ આવેશમાં આવી પોતાના નેફામાંથી તીક્ષ્ણ છરી કાઢી ચીનાભાઈના ડાબા પડખાના ભાગે જોરદાર ઘા ઝીંકી દીધો હતો અને લોહીલુહાણ હાલતમાં મૂકીને ત્રણેય નરાધમ ભાણેજો ત્યાંથી નાસી છૂટ્યા હતા.
આ હુમલામા ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં તેમની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા ટૂંકી સારવાર દરમિયાન આધેડનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
આધેડના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. આ ઘટના અંગે જાણ થતાં થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક ચીનાભાઇ જાડેજા ત્રણ ભાઇ ચાર બહેનમાં વચેટ હતા અને તેમને સંતાનમાં પાંચ પુત્ર અને બે પુત્રી છે. ચીનાભાઇ જાડેજા શાકભાજીનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ચીનાભાઇ જાડેજાએ આશરે સાત મહિના પહેલા પોતાની બીમારીની સારવાર અર્થે પૈસાની જરૂરિયાત હોવાથી પોતાના સગા ભાણેજ કમલેશ ઉર્ફે યોગો રાજેશભાઈ પરમાર પાસેથી 20 ટકાના વ્યાજે રૂ. 60,000 લીધા હતા.
આ રકમ પરત કરવા માટે ભાણેજો અવારનવાર દબાણ કરતા હતા, પરંતુ ગરીબ મામાએ હાલ સગવડ નથી અને થોડા સમયમાં ચૂકવી દઈશ તેમ જણાવ્યું હતું.
આથી ઉશ્કેરાયેલા ત્રણેય સગા ભાણેજોએ જીવલેણ હુમલો કરી મામાનું ઢીમ ઢાળી દીધુ હતું. ઇજાગ્રસ્ત આધેડને સારવારમાં ખસેડાયા બાદ હુમલાખોર શખ્સોએ ચીનાભાઇ જાડેજાના પુત્ર આકાશના મકાનને આગ ચાંપી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે થોરાળા પોલીસે હુમલાખોર ત્રણેય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.
