Ahmedabad: વૉટ ચોરી અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાં મુદ્દે સરકાર સામે આક્રામક રહેલ કોંગ્રેસ દ્વારા હવે પાર્ટીની અંદર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાહુલ ગાંધીની રેલીમાં ગેરહાજર રહેનારા યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ જિલ્લા પ્રમુખોને પણ બરખાસ્ત કરવામાં આવ્યા છે.
હકીકતમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરી અને જ્ઞાનેશકુમારના રાજીનામાંને લઈને 1 નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઈન્ડિ ગઠબંધનની 'વોટ બચાવો-દેશ બચાવો' રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, આ રેલીમાં સમગ્ર દેશભરમાંથી 10 લાખ લોકો ઉમટી પડશે.
જો કે ભાજપ દ્વારા રામલીલા મેદાનની રેલીનો વીડિયો જારી કરીને કોંગ્રેસના દાવાની પોલ ખોલી નાંખી હતી. રામલીલા મેદાનમાં રેલીની તરત બાદ ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં રામલીલા મેદાનનો વીડિયો દર્શાવીને દાવો કરવામાં આવ્યો હતો કે, રાહુલ ગાંધીએ ખાલી ખુરશીઓ સામે ભાષણ આપ્યું હતુ.
જો કે હવે કોંગ્રેસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં રામલીલા મેદાનની રેલીમાં ઉપસ્થિત રહેવાનો કોલ આપવામાં આવ્યો હોવા છતાં જે લોકો ગેરહાજર રહ્યા હતા તેમની સામે પગલા લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં 24 યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોનો પણ સમાવેશ થાય છે.
